27 કલાકના બ્લૉક દરમિયાન 900 કલાકના બ્લૉકનાં અન્ય કામો પણ હાથ ધરાશે

27 કલાકના બ્લૉક દરમિયાન 900 કલાકના બ્લૉકનાં અન્ય કામો પણ હાથ ધરાશે
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 19 : મધ્ય રેલવે દ્વારા આજે રાત્રે 11 વાગ્યાથી શરૂ થયેલા 27 કલાકના બ્લોક દરમિયાન કર્નાક બ્રિજને તોડી પાડવાનું, સીએસએમટીથી ભાયખલા અને વડાલા રોડ વચ્ચે વિવિધ કામો હાથ ધરાશે. આ બ્લોક રવિવારે મધરાત બાદ બે વાગ્યે પૂર્ણ થશે.
સીએસએમટી અને મસ્જિદ સ્ટેશનો વચ્ચે બધી સાત લાઈનો અને યાર્ડ ઉપર 27 કલાકના બ્લોકનો આજે પ્રારંભ થયો છે. આ બ્લોકનો પૂરો લાભ ઉઠાવવા મધ્ય રેલવેએ ભવિષ્યમાં હાથ ધરવાના કામો પણ બ્લોકના સમયગાળામાં પટાવી દેવાની યોજના ઘડી છે. તેના કારણે આગામી સમયગાળામાં 900 કલાકના બ્લોકને (505 કલાક ઈજનેરી કામો માટે, 235 કલાક ઓવરહેડ વાયર માટે અને 1600 કલાક એસઍન્ડટી માટે) લેવાની જરૂર નહીં પડે. આ સાથે 2000 કામદારો આ હિસ્સામાં જાળવણીનું કામ કરશે. તેના માટે છ ટાવર વેગન અને અન્ય 10 વાહનોની મદદ લેવાશે.
આ બ્લોકના ગાળામાં સીએસએમટીથી ભાયખલા અને વડાલા રોડ વચ્ચે 2.4 કિ.મી. હિસ્સામાં પાટા બદલવાનું, એક કિ.મી. હિસ્સામાં મેન્યુઅલ ડીપ ક્રીનિંગ, 300 કેઝયુઅલ સ્લીપરનું રિપ્લેસમેન્ટ તેમ જ ટ્રેક ટેમ્પિંગ, ટર્નઆવન ટેમ્પિંગ, સ્વીચ રિપ્લેસમેન્ટ અને ટ્રેકવાયર સંબંધી કામો કરવામાં આવશે. 5000 કયુબિક મીટર જેટલો કીચડ દૂર કરાશે.
બ્લોકના સમયગાળામાં પ્રવાસીઓની અગવડ નિવારવા માટે મધ્ય રેલવે દ્વારા સીએસએમટી, ભાયખલા, દાદર, થાણે, વડાલા રોડ અને પનવેલ સ્ટેશનો ઉપર હેલ્પડેસ્ક સ્થાપવામાં આવી છે. એટીવીએમ ફેસીલેટેરને પ્રવાસીઓની સેવામાં તહેનાત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત મેલ અને એક્સ્પ્રેસ ટ્રેનોના ઉપડવાના સ્થળ અને સમયમાં ફેરફાર સંબંધી વિગતોની વારંવાર ઉદ્ઘોષણા કરવામાં આવી રહી છે, એમ મધ્ય રેલવે તરફથી જણાવવામાં આવ્યું છે.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer