અંચેલી સ્ટેશને ટ્રેનનો સ્ટોપ નહીં તો મતદાન નહીં

અંચેલી સ્ટેશને ટ્રેનનો સ્ટોપ નહીં તો મતદાન નહીં
નવસારી જિલ્લાનાં 18-20 ગામના લોકોની ચેતવણી
નવસારી, તા. 19 : ગુજરાતમાં ચૂંટણીના ગરમાટા વચ્ચે નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના અંચેલી રેલવે સ્ટેશને ટ્રેનોને સ્ટોપ નહીં તો મતદાનનો બહિષ્કાર કરવાની ચીમકી અંચેલી અને આજુબાજુના 15-17 ગામના લોકોએ ઉચ્ચારી છે. ગણદેવી તાલુકાના આ ગામોમાં ઠેર-ઠેર બૅનરો મૂકીને કોઈપણ રાજકીય પાર્ટીઓને ચૂંટણીપ્રચાર માટે ન આવવાનું જણાવાયું છે.
ગામ લોકોના જણાવ્યા પ્રમાણે 1966થી શરૂ થયેલા અંચેલી સ્ટેશનેથી 18-20 ગામના બે હજાર પ્રવાસીઓ, વિદ્યાર્થીઓ, કામદારો, નોકરિયાતો, વરિષ્ઠ નાગરિકો ટ્રેનમાં સુરત-અમદાવાદ, વલસાડ, વાપી અને મુંબઈ સુધી પ્રવાસ કરે છે. આ નાના સ્ટેશને મેમુ અને લોકલ પેસેન્જર ટ્રેન જ સવાર-બપોર-સાંજ ઊભી રહે છે અને અંચેલી, મોહનપુર, કોલવા, કછોલી, ગંધોર, સાલેજ, સોનવાડી, ગડત, ઈચ્છાપોર, ખખવાડા, નાની કરોડ, મોટી કરોડ, સરાવ, ખરસાડ, કૃષ્ણપુર, કનેરા, પનાર અને અબ્રામા લોકો પ્રવાસ કરે છે. 23 માર્ચ, 2020ના કોરોના મહામારીના લૉકડાઉનનો અમલ શરૂ થયા બાદ છેલ્લા અઢી વર્ષથી આ સ્ટેશને લોકલ અને મેમુ ટ્રેન પણ ઊભી નથી રહેતી. હવે ટ્રેનો તો નિયમિત દોડવા લાગી છે. પરંતુ આ 18-20 ગામના લોકો અંચેલીમાં સ્ટૉપ ન હોવાથી ટ્રેનમાં પ્રવાસ કરી નથી શકતાં. ગામોના લોકોએ રેલવે પ્રધાન, અધિકારીઓ, સાંસદ, વિધાનસભ્ય, રેલવે વહીવટી તંત્રને પત્રો લખીને વારંવાર અંચેલી સ્ટેશને પૂર્વવત્ લોકલ-મેમુ ટ્રેનને સ્ટૉપ આપવા વિનંતી કરી છે, પરંતુ હજુ સુધી કોઈ યોગ્ય પ્રતિસાદ મળ્યો નથી.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer