આજથી ફૂટબૉલ જગતનો મહાસંગ્રામ

આજથી ફૂટબૉલ જગતનો મહાસંગ્રામ
કતરમાં થશે ફિફા વિશ્વ કપનો આગાઝ : કતર અને ઈક્વાડોર વચ્ચે રમાશે પહેલી મૅચ : ઉદ્ઘાટન સેરેમનીમાં દુનિયાભરના કલાકારો કરશે પરફોર્મ
કતાર, તા.19 : દુનિયાના સૌથી મોટા સ્પોર્ટસ ઈવેન્ટમાંથી એક ફીફા વિશ્વકપ 2022નો આગાઝ રવિવારે 20મી નવેમ્બરથી થવા જઈ રહ્યો છે. આ ટૂર્નામેન્ટ લગભગ એક મહિના સુધી ચાલશે. જેમાં વર્તમાન ચેમ્પિયન ફ્રાન્સ સહિત દુનિયાની 32 ટીમો ભાગ લઈ રહી છે. ફીફા વિશ્વકપમાં સામેલ તમામ ટીમોને ચાર ચારના કુલ આઠ ગ્રુપમાં વહેંચવામાં આવી છે. જ્યારે ફીફા વિશ્વકપનો ફાઈનલ મુકાબલો 18 ડિસેમ્બરના રોજ રમાશે.
ફૂટબોલ વિશ્વકપના ઈતિહાસમાં પહેલી વખત એવુ બન્યું છે કે મેજબાની મિડલ ઇસ્ટના દેશમાં કરવામાં આવી રહી છે. સાથે જ પહેલી વખત નવેમ્બર-ડિસેમ્બરમાં આયોજન થવા જઈ રહ્યું છે. ફીફા વિશ્વકપનો ઉદ્ઘાટન સમારોહ 20 નવેમ્બરના રોજ મેજબાન કતર અને ઈક્વાડોર વચ્ચે ટૂર્નામેન્ટના પહેલા ગ્રુપ એ મેચની પહેલા થશે. આ સમારોહ 60 હજારની ક્ષમતા ધરાવતા બાયત સ્ટેડિયમમાં યોજવામાં આવશે. ઉદ્ઘાટન સેરેમની ભારતીય સમય અનુસાર રાત્રે 7.30 વાગ્યે શરૂ થશે. 
ફીફાએ હજી સુધી 2022 વિશ્વકપની ઉદ્ઘાટન સેરેમનીમાં આવનારા કલાકારોની પૂરી યાદી જારી કરી નથી પણ દક્ષિણ કોરિયાના બોય બેંડ બીટીએસે પુષ્ટિ કરી છે કે તેના સાત સભ્યોમાંથી એક ઝુંગકુક કાર્યક્રમમાં પ્રદર્શન કરશે. એક અનુમાન મુજબ બ્લેક આઈડ પીઝ, રોબી વિલિયમ્સ અને નોરા ફતેહી ઉદ્ઘાટન સેરેમનીના અન્ય કલાકારોમાં સામેલ છે. આ ઉપરાંત બ્રિટિશ કલાકાર દુઆ લીપા પણ પરફોર્મ કરે તેવી અટકળો વહેતી થઈ હતી.
ફીફા વિશ્વકપમાં કુલ 64 મેચ રમાવાના છે. જેનો પહેલો મેચ કતર અને ઈક્વાડોર વચ્ચે રવિવારે રમાશે. આ મેચનું પ્રસારણ ભારતીય સમય અનુસાર રાત્રે 9.30 વાગ્યાથી કરવામાં આવશે. ફીફા વિશ્વકપના મેચ આઠ ફૂટબોલ સ્ટેડિયમ અલ બાયત, ખલીફા સ્ટેડિયમ, અલ થુમામા સ્ટેડિયમ, અહમદ બિન અલી સ્ટેડિયમ, લુસૈલ સ્ટેડિયમ, સ્ટેડિયમ 974, એજુકેશન સિટી સ્ટેડિયમ અને અલ જાનૌબ સ્ટેડિયમમાં થશે.
ફિફાનો પહેલી મૅચ ટ્વીટર ઉપર જોવા મળશે : એલન મસ્કે જાહેરાત કરી
કતરમાં શરૂ થવા જઈ રહેલા ફીફા વિશ્વકપને લઈને ટ્વિટરના નવા માલિક એલન મસ્ક દ્વારા મહત્ત્વનું એલાન કરવામાં આવ્યું છે. એલન મસ્કે જાહેરાત કરી છે કે ફીફા વિશ્વકપનો પહેલો મેચ ટ્વિટર ઉપર લાઇવ બતાવવામાં આવશે. એલન મસ્કે ટ્વિટ કરીને કહ્યું છે કે વિશ્વકપનો પહેલો મેચ રવિવારે છે અને ટ્વિટર ઉપર તેના બેસ્ટ કવરેજ અને રિયલ ટાઇમ કોમેન્ટ્રી બતાવવામાં આવશે. મસ્કે પોતાના ટ્વિટમાં ફીફા લખ્યું નથી પણ વિશ્વકપ તેમ લખ્યું છે. આ ઉપરાંત મેચના કવરેજને લઈને અન્ય કોઈપણ માહિતી આપવામાં આવી નથી. 

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer