ચીફ સિલેક્ટરની દોડમાં અજિત અગરકરનું નામ સૌથી આગળ

ચીફ સિલેક્ટરની દોડમાં અજિત અગરકરનું નામ સૌથી આગળ
ચેતન શર્માની આગેવાનીવાળી કમિટી બરખાસ્ત થયા બાદ અટકળોનું બજાર ગરમ
મુંબઈ, તા. 19: બીસીસીઆઇએ શુક્રવારે સાંજે સિનિયર સિલેક્શન કમિટીને બરખાસ્ત કરીને લોકોને ચોંકાવી દીધા છે. ટી20 વિશ્વકપમાં ટીમ ઇન્ડિયાને મળેલી હાર બાદ ઘણા સવાલ ઉઠી રહ્યા હતા. આ દરમિયાન બોર્ડ દ્વારા પગલું ભરવામાં આવ્યું છે. ચેતન શર્માની આગેવાનીની પસંદગી સમિતિ સતત આલોચકોના નિશાને હતી. તેવામાં પૂરી કમિટીને હટાવી દેવામાં આવ્યા બાદ નવા ચીફ સિલેક્ટર કોણ હશે તેને લઈને અટકળોની બજાર ગરમ થઈ છે.રિપોર્ટ મુજબ ટીમ ઇન્ડિયાનો પૂર્વ સ્ટાર ક્રિકેટર અજીત અગરકર ચીફ સિલેક્ટર બનવાની રેસમાં સૌથી આગળ છે. અજીત અગરકર પહેલાં પણ પદ માટે અરજી કરી ચૂક્યો પણ ગયા વખતે રેસમાં પાછળ રહી ગયો હતો. જો કે વર્તમાન પરિસ્થિતિને ધ્યાને રાખીને અજીત અગરકરનો દાવો વધારે મજબૂત બનવાની શક્યતા છે. એક બીસીસીઆઇ અધિકારીના કહેવા પ્રમાણે અજીત અગરકર સાથે આ મામલે હજી સુધી કોઈ વાત થઈ નથી. જો કે અગરકર પદ માટે અપ્લાય કરવા માગે તો પૂરી રીતે તેમની પસંદગી છે. ગયા વખતે અજીત અગરકર ખૂબ જ નજીક પહોંચી ગયો હતો પણ પસંદ થઈ શક્યો નહોતો. અગરકર પાસે ક્રિકેટના ત્રણેય ફોર્મેટનો અનુભવ છે. જેમાં આઇપીએલ પણ સામેલ છે.  અજીત અગરકર વર્તમાન સમયે દિલ્હી કેપિટલ્સમાં ટીમ સાથે આસિસટન્ટ કોચ તરીકે કામ કરી રહ્યો છે. જો ચીફ સિલેક્ટર બનવા માટે અપ્લાય કરશે તો આઇપીએલની જોબ છોડવી પડશે. બીસીસીઆઇના નિયમોને ધ્યાને લેવામાં આવે તો અગરકર કામ માટે પૂરી રીતે ફીટ છે. ચીફ સિલેક્ટર માટે સાતથી વધારે ટેસ્ટ મેચ રમાયેલા જરૂરી છે. આ ઉપરાંત 30 ફર્સ્ટ ક્લાસ મેચ, 10 વન ડે અથવા 20 લિસ્ટ એ મેચ, પાંચ વર્ષ પહેલા ક્રિકેટમાંથી નિવૃત્તિ અને બીસીસીઆઇની કોઈ કમિટીના સભ્ય ન હોવા જોઈએ. અજીત અગરકર આ તમામ શરતોમાં ફીટ છે. 

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer