ગુજરાતમાં ભાજપને સ્પષ્ટ બહુમતી

ઇન્ડિયા ટીવી-મેટરીઝનો સર્વે
104થી 119 બેઠકોનું અનુગાન
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 19 : ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળશે. કુલ 182 બેઠકો ધરાવતી વિધાનસભામાં ભાજપને 104થી 119, કૉંગ્રેસને 53થી 68 `આપ'ને છ કે તેથી ઓછી તેમ જ અન્યોને મહત્તમ ત્રણ બેઠકો મળશે એવી આગાહી ઇન્ડિયા ટી.વી.-મેટરીઝનાં સર્વેક્ષણમાં કરવામાં આવી છે.
આ સર્વેનાં તારણો આજે સાંજે બહાર પાડવામાં આવ્યાં હતાં. આવતા ડિસેમ્બરમાં યોજાનારી ચૂંટણીમાં ભાજપને 49.50 ટકા મળશે. જ્યારે કૉંગ્રેસને 39.1 ટકા, `આપ'ને 8.40 ટકા અને અન્યોને ત્રણ ટકા મત મળશે. અહીં ઉલ્લેખનીય છે કે ડિસેમ્બર, 2017માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને 99, કૉંગ્રેસને 77, બી.ટી.પી.ને બે, રાષ્ટ્રવાદીને એક અને અપક્ષોને ત્રણ બેઠકો ઉપર વિજય મળ્યો હતો.
સર્વેમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે મધ્ય ગુજરાતની 61માંથી ભાજપને 41, કૉંગ્રેસને 19 અને અન્યને એક બેઠક મળશે. સૌરાષ્ટ્ર-કચ્છની 54માંથી ભાજપને 30, કૉંગ્રેસને 21 અને `આપ'ને ત્રણ બેઠકો મળી શકે છે. 35 બેઠકો ધરાવતા દક્ષિણ ગુજરાતમાં ભાજપને 26, કૉંગ્રેસને છ અને `આપ'ને ત્રણ બેઠકો મળવાની શક્યતા છે. ઉત્તર ગુજરાતની 32માંથી ભાજપ અને કૉંગ્રેસ પ્રત્યેકને 16 બેઠકો મળી શકે છે.
ગુજરાતમાં મુખ્ય પ્રધાનપદ માટે 32 ટકા મતદારોએ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ ઉપર કળશ ઢોળ્યો હતો. `આપ'ના ઇશુદાન ગઢવીને સાત ટકા તેમ જ કૉંગ્રેસના નેતાઓ- શક્તિસિંહ ગોહિલ ઉપર છ ટકા, ભરતસિંહ સોલંકી ઉપર ચાર ટકા, સુખરામ રાઠવા ઉપર ચાર ટકા, અર્જુન મોઢવાડિયા ઉપર ચાર ટકા તેમ જ જગદીશ ઠાકોર ઉપર ત્રણ ટકા મતદારોએ પસંદગી ઉતારી હતી.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer