ગુજરાતમાં 51,839 મતદાન કેન્દ્રો

ચૂંટણી પંચ સજ્જ
અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા. 19 : ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022ના દિવસો જેમ-જેમ નજીક આવી રહ્યા છે તેમ રાજ્યના ચૂંટણી તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. રાજ્યમાં આગામી તા. 1 અને તા. 5 ડિસેમ્બરના યોજાનારા મતદાન અંગેની માહિતી આપતા ગુજરાતના મુખ્ય નિર્વાચન અધિકારી પી. ભારતીએ જણાવ્યું હતું કે, રાજ્યની 182 બેઠક પર યોજાનારા મતદાન માટે મતદાન મથકો, મતદાર યાદી, ઈવીએમ-વીવીપેટ સહિતની અન્ય આનુસંગિક સુવિધાઓને સુનિશ્ચિત કરવામાં આવી છે.  
બંને તબક્કામાં મતદારો ઘરથી નજીકના સ્થળે સરળતાથી મતદાન કરી શકે તે માટે રાજ્યમાં 29,357 પાલિંગ સ્ટેશન લોકેશન (પીએસએલ) પર 51,839 પાલિંગ સ્ટેશન(પીએસ) ઊભા કરવામાં આવ્યા છે. 
મતદાર યાદી સુધારણા અભિયાન બાદ રાજ્યમાં બંને તબક્કામાં કુલ 4,91,35,400 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. જેમાં 18થી 29 વર્ષની વયજૂથના 1,15,10,015 યુવા મતદારોનો સમાવેશ થાય છે. જેમાં ગુજરાતમાં સૌથી વધુ પાલિંગ સ્ટેશન ધરાવતાં પાંચ જિલ્લામાં અમદાવાદમાં 5610, સુરતમાં 4637, બનાસકાંઠામાં 2613, વડોદરામાં 2590 અને રાજકોટમાં 2264 પાલિંગ સ્ટેશન આવેલા છે.  સૌથી ઓછા પાલિંગ સ્ટેશન ધરાવતાં પાંચ જિલ્લામાં ડાંગમાં 335, પોરબંદરમાં 494, તાપીમાં 605, બોટાદમાં 614 અને નર્મદામાં 624નો સમાવેશ  થાય છે.   
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કુલ 4,91,35,400 મતદારો પૈકી 2,37,74,146 મહિલા મતદારો, 2,53,59,863 પુરુષ મતદારો તથા 1391 ત્રીજી જાતિના જેન્ડર મતદારોનો સમાવેશ થાય છે. ગુજરાતમાં કુલ 1391 પૈકી સૌથી વધુ 226 થર્ડ જેન્ડર વડોદરા જિલ્લામાં નોંધાયા છે.
મતદાનના દિવસે રજા 
આગામી તા.1 અને 5 ડિસેમ્બરે ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે મતદાન થવાનું હોઈ રાજ્ય સરકાર દ્વારા રજા જાહેર કરાઈ છે. રાજ્ય સરકાર દ્વારા મતદાન હોય તેવા વિસ્તારોમાં રજા જાહેર કરાઈ છે. જેમાં 1 ડિસેમ્બરે પહેલા તબક્કાના મતદાનવાળા 19 જિલ્લામાં રજા જાહેર કરાઈ છે, તો 5 ડિસેમ્બરે બીજા તબક્કાના મતદાનવાળા 14 જિલ્લામાં રજા જાહેર કરાઈ છે. વધુ મતદાન થાય તે માટે સરકારે રજા જાહેર કરી છે.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer