પંચની મંજૂરી વિના ચૂંટણી બૉન્ડની મુદત વધી

આચારસંહિતા વચ્ચે
ચૂંટણી પંચની સંમતિ જરૂરી નહીં : નાણાં મંત્રાલય
નવી દિલ્હી, તા. 19 : કેન્દ્ર સરકારે ચૂંટણી બોન્ડ યોજનામાં સંશોધન કરીને રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિધાનસભા ચૂંટણીના વર્ષમાં બોન્ડનું વેચાણ 15 વધારાના દિવસ થઈ શકે તેવી જોગવાઈ કરી છે. ગુજરાત અને હિમાચલપ્રદેશમાં આદર્શ આચારસંહિતા લાગુ હોવા દરમ્યાન કરવામાં આવેલા આ સંશોધનની ચૂંટણીપંચ સાથે ચર્ચા કરવામાં આવી ન હતી એમ અહેવાલોમાં જણાવવામાં આવ્યું હતું.
એક અંગ્રેજી અખબારે દસ્તાવેજોને ટાંકીને આપેલા અહેવાલમાં જણાવ્યું હતું કે કેન્દ્રીય નાણા મંત્રાલયે નિર્ણય કર્યો હતો કે તેને ચૂંટણી બોન્ડ યોજનામાં સાત નવેમ્બરના સંશોધન માટે ચૂંટણીપંચની સહમતિની જરૂર નથી. ઉલ્લેખનીય છે કે આ સંશોધન દ્વારા ચૂટણી બોન્ડના વેચાણની અવધિ વધારવામાં આવી હતી.
આ સંશોધન એવા સમયે અધિસૂચિત કરવામાં આવ્યું હતું કે જ્યારે હિમાચલપ્રદેશ અને ગુજરાત ચૂંટણી માટે આદર્શ આચારસંહિતા (એમસીસી) લાગુ હતી.
અખબારે હેવાલમાં જણાવ્યું હતું કે આરટીઆઈ કાર્યકર્તા કોમોડોર લોકેશ બત્રા (સેવા નિવૃત્ત)ને આર્થિક મામલાના વિભાગથી ગઈકાલે મળેલી માહિતીના અધિકાર હેઠળની જાણકારી દર્શાવે છે કે પ્રસ્તાવ પર સૌથી પહેલાં માર્ચ-2021માં મંત્રાલયની અંદર ચર્ચા થઈ હતી અને તેને મંજૂરી મળી હતી. જોકે તેની અધિસૂચના આ વર્ષે સાતમી નવેમ્બરે જારી કરવામાં આવી હતી અને ચૂંટણી બોન્ડ વેચાણનો 23મો હપ્તો 9 નવેમ્બરથી 15 નવેમ્બર સુધી ચાલ્યો હતો.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer