વર્ષના અંતમાં પર્યટન સ્થળો માટેનાં વિમાન ભાડાંમાં થશે વધારો

મુંબઈ, તા. 19 : સતત બે વર્ષ નવા વર્ષની પૂર્વ સંધ્યાઓ પર્યટન માટે સુસ્ત રહ્યા બાદ મોજીલા પ્રવાસીઓએ આ વર્ષના અંતમાં મોજ કરવાની યોજનાઓ બનાવવા માંડી છે અને ગોવા, દુબઈ, સિંગાપોર અને મલેશિયા જેવા લોકપ્રિય સ્થળોની મુલાકાત લેવાનો ઉત્સાહ બતાવી રહ્યા છે ત્યારે વિમાનનાં ભાડાં આ દિવસો માટે વધી જશે.
આ વેળા પહેલી જાન્યુઆરી રવિવારના આવે છે અને આ દિવસ પણ ફ્લાઇટ પકડવા માટેનો સપ્તાહનો સૌથી જાણીતો દિવસ મનાય છે. વર્ષના અંત માટેની રજાઓ ગાળવા લોકો 23મી ડિસેમ્બરથી જાણીતાં સ્થળોએ જવાનું શરૂ કરતા હોય છે અને ત્યારે શાળાઓ પણ બંધ હોય છે આવા પર્યટકો પહેલી જાન્યુઆરીના પાછા ફરવાનું પસંદ કરશે જેથી સોમવારથી તેઓ ફરી અૉફિસે કામ પર જઈ શકે અને બાળકો શાળામાં જઈ શકે.
`જો તમે હજી સુધી તમારી સ્થાનિક ઍર ટિકિટ બુક કરાવી નથી અને જો તમે નવા વર્ષની શરૂઆતમાં એક-બે દિવસ પછી પાછા ફરવા માગતા હો તો તમારે 2 કે 3 જાન્યુઆરીની રિટર્ન ટિકિટ બુક કરાવવી જોઈએ. 20થી 25 ટકાની બચત કરી લેવી જોઈએ' એમ એક સસ્તી ઍરલાઇન્સના અધિકારીએ જણાવ્યું હતું.
મુંબઈથી રાંચી, રાયપુર, અલ્હાબાદ, કોલકાતા, પટણા, ચેન્નઈ, બેંગલોર, દિલ્હી, હૈદરાબાદ વગેરે સ્થળોનાં વિમાન ભાડાંમાં છેલ્લાં બે સપ્તાહમાં કોઈ વધુ હલચલ જોવા મળી નથી, પરંતુ તે ટૂંકમાં વધી જશે એટલે હમણાં જ બુક કરાવી લો' એમ આ અધિકારીએ જણાવ્યું હતું.
બીથીજા ટ્રાવેલના અનુપ કાનુગાએ જણાવ્યું હતું કે નજીકનાં આંતરરાષ્ટ્રીય સ્થળોની 25 ડિસેમ્બરથી 2 જાન્યુઆરીના સમય માટેની માગ વધી છે અને તે ઊંચાં વિમાન ભાડાંમાં દેખાઈ રહી છે. મુંબઈથી સિંગાપોર કે મુંબઈથી મલેશિયાનું સૌથી સસ્તું રિટર્ન ભાડું રૂપિયા 77,000 હજારનું છે.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer