રિટેલ ઇન્વેસ્ટરો માટે એસઆઈપી બિલકુલ સહી હૈ

એસઆઈપી ફન્ડ્સનું કુલ ભંડોળ 
રૂા. 6.60 લાખ કરોડના રેકોર્ડ લેવલે
મુંબઈ, તા. 19 : મ્યુચ્યુઅલ ફન્ડ સેક્ટરમાં રિટેલ રોકાણકારોનું ઇન્વેસ્ટમેન્ટ સતત વધી રહ્યું છે. એમાં પણ વધુને વધુ રોકાણકારો એસઆઈપી (સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન)ને પસંદ કરી રહ્યા છે. એમ્ફી (ઍસોસિયેશન અૉફ મ્યુચ્યુઅલ ફન્ડ્સ ઇન ઇન્ડિયા)ના રિપોર્ટ મુજબ અૉક્ટોબર 2022ના અંતે એસઆઈપી હેઠળનું કુલ ભંડોળ રૂા. 6.60 લાખ કરોડના વિક્રમ સ્તરે પહોંચી ગયું છે.
છેલ્લા 12 મહિનામાં એસઆઈપી દ્વારા કુલ 1.40 લાખ કરોડનું રોકાણ આવ્યું છે. આ પણ એક રેકોર્ડ છે. છેલ્લા એક વર્ષમાં સરેરાશ માસિક રોકાણ રૂા. 13,000 કરોડ કરતાં વધુ રહ્યું છે.
એસઆઈપી દ્વારા દર મહિને જે રોકાણ આવે છે એમાંથી 90 ટકા જેટલું રોકાણ ઇક્વિટી ફન્ડ્સ માટે હોય છે.
મ્યુચ્યુઅલ ફન્ડ સેક્ટરમાં જે કુલ ભંડોળ છે એમાં એસઆઈપીના ભંડોળનો હિસ્સો 16.80 ટકાના સ્તરે છે જે હાઇએસ્ટ છે. છેલ્લાં પાંચ વર્ષમાં એસઆઈપી લિન્ક્ડ ફન્ડ્સમાં વાર્ષિક સરેરાશ 28.80 ટકાનો વધારો થયો છે. જે સમગ્ર મ્યુચ્યુઅલ ફન્ડના 13 ટકાના ગ્રોથ કરતાં વધારે છે. મ્યુચ્યુઅલ ફન્ડ સેક્ટરમાં કુલ ભંડોળ રૂા. 39.10 લાખ કરોડ જેટલું છે. એસઆઈપી લિન્કડ ફન્ડમાં પાંચ વર્ષમાં ભંડોળ રૂા. 5.30 લાખ કરોડ જેટલું વધ્યું છે.
છેલ્લા 12 મહિનામાં એસઆઈપી એકાઉન્ટ્સમાં 10.80 ટકાનો વધારો થયો છે. કુલ એસઆઈપી એકાઉન્ટ્સની સંખ્યા 5.90 કરોડના રેકોર્ડ લેવલે પહોંચી છે. એસઆઈપી ઇન્વેસ્ટરની એવરેજ પોર્ટફોલિયો વેલ્યૂ અૉગસ્ટ 2021માં રૂા. 1.20 લાખ કરોડ હતી. એ અૉક્ટોબર 2022માં 8 ટકા ઘટીને રૂા. 1.10 લાખ કરોડ થઈ છે.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer