કૉંગ્રેસની બદામ મતદારોને આકર્ષી શકશે ?

ભાર્ગવ પરીખ તરફથી
અમદાવાદ, તા. 19 : ચૂંટણી નજીક આવતાં રાજકીય પક્ષો વચનોની લ્હાણી કરવાની સાથે સાથે સોશિયલ એન્જિનીયરીંગના નામે જ્ઞાતિવાર સમીકરણો ગોઠવી રહ્યા છે. કૉંગ્રેસે ગુજરાતમાં જૂની વોટ બેન્કને અંકે કરવા `ખામ' થિયરીને નવા રેપરમાં `બદામ'ના નામે મતદારો સામે મૂકી છે. 
ગુજરાત કોંગ્રેસે માધવાસિંહ સોલંકીના સમયમાં  `ખામ' થિયરી બનાવી 1985ની વિધાનસભાની ચૂંટણીમાં  149 બેઠક પર જીતવાનો રેકોર્ડ બનાવ્યો હતો. એ પછી 1990માં મળેલી ધોબીપછાડ હારની એમને કળ વળી નથી. ત્યારબાદ બીજા પક્ષને સત્તાથી દૂર રાખવા ટેકા પાર્ટી બની ગઈ. 1990માં ભાજપ સાથે ગઠબંધન તૂટતાં ચીમનભાઈ પટેલે કૉંગ્રેસનો ટેકો લઇ સરકાર બનાવી, એ પછી કોંગ્રેસમાં ભળી ગયા. ચીમનભાઈની સરકાર સામે  કથિત ભ્રષ્ટાચારના આરોપો થયા હતા, 1995માં. એ પછી શંકરાસિંહ વાઘેલાએ બળવો કર્યો. એ સમયે પણ કોંગ્રેસે શંકરાસિંહને ટેકો આપી સરકાર બનાવી હતી. એ સમયે શંકરાસિંહની સરકાર સામે કથિત ભ્રષ્ટાચારના આરોપને કારણે ફરી કોંગ્રેસની છબી બગડી અને ફરી ભાજપની સરકાર 1998માં બની. આ બે પગલાંને કારણે કોંગ્રેસમાં જૂથબંધી તો વધી જ, પણ સાથે સાથે કોંગ્રેસની છાપ સત્તા મેળવવા માટે બહારથી ટેકો આપીને સત્તામાં ભાગીદાર થવાની ભૂલને કારણે `ટેકા' પાર્ટીની છાપ ઉભી થઇ ગઈ. આમ છતાં કોંગ્રેસે કોઈ ધડો ના લીધો. આ વખતે એમણે જૂની વોટ બેન્ક પરત લેવા બક્ષીપંચ, અનુ.જાતિ આદિવાસી અને મુસ્લિમની `બદામ' થિયરી બનાવી છે.  
તાલીમ રિસર્ચ સેન્ટરના ડાયરેક્ટર અને જાણીતા સેફોલોજિસ્ટ ડોક્ટર એમ.આઈ. ખાને `જન્મભૂમિ' સાથેની વાતચીતમાં કહ્યું કે, ગુજરાતમાં કોંગ્રેસને સૌથી વધુ જો કોઈને નુકસાન થવાનું હોય તો `આપ'થી થવાનું છે. આ સંજોગોમાં એમને બક્ષીપંચની  ઠાકોર, કોળી અને રબારી, ભરવાડ સમાજ અને અનુસૂચિત જાતિ આદિવાસી અને મુસ્લિમની `બદામ' વોટ બેન્કની થિયરી બનાવી છે. આ થિયરી પાછળનું કારણ એ છે કે, ઠાકોરના 24 ટકા વોટ છે. કોળીના 21 ટકા વોટ છે, તો માલધારી સમાજ રબારી અને ભરવાડના 3.5 ટકા વોટ છે તો અનુ.જાતિના 7 ટકા વોટ છે અને મુસ્લિમના 9 ટકા વોટ છે, જયારે આદિવાસીના 18 ટકા  વોટ છે, આ વોટ બેન્ક એક જમાનામાં કોંગ્રેસની પરંપરાગત વોટ બેન્ક હતી. આ વોટ બેન્કને અંકે કરવા માટે મહેનત  શરૂ કરી છે. ઓન પેપર આ સારૂં દેખાય છે. ખાટલે  મોટી ખોડ એ છે કે  ગ્રાઉન્ડ લેવલ પર કોંગ્રેસની પાસે મોટું નેટવર્ક રહ્યું નથી, ત્યારે કોંગ્રેસે હોદ્દેદારોનું મોટું માળખું બનાવ્યું છે, પણ એમાં કેટલા સફળ થાય છે એ એક સવાલ છે, પણ મુસ્લિમ મતદાતાનો વિશ્વાસ કોંગ્રેસથી થોડો ડગમગ્યો છે. તો આદિવાસી નેતાઓ પણ ભાજપમાં ગયા છે, કોળી નેતા કોંગ્રેસને છોડીને ગયા છે, આ સંજોગોમાં કોંગ્રેસની બદામ મતદાતાને કેટલી પચશે એ એક સવાલ છે. 
આવું જ કૈંક જાણીતા રાજકીય નિષ્ણાત ઘનશ્યામ શાહ પણ માને છે. ઘનશ્યામ શાહે `જન્મભૂમિ' સાથેની વાતચીતમાં એમને કહ્યું કે,  કોંગ્રેસની બદામ થિયરી ઓન પેપર સારી છે, કારણ કે, ઉચ્ચ જ્ઞાતિઓની સમસ્યાઓને ભાજપ સરકારે ઉકેલી દીધી છે, પાટીદાર એમની મુખ્ય વોટ બેન્ક છે. એમની માંગણી ઉપરાંત આર્થિક અનામત આપી એમનો સોફ્ટ કોર્નર ભાજપ પાસે છે એટલે કોંગ્રેસને આ રણનીતિ અપનાવ્યા વગર છૂટકો નથી, પણ  સંગઠનની ઉણપથી કેટલા સફળ જાય છે એ અગત્યનું છે, કારણ કે, આ ચૂંટણીમાં આપે નવો ખેલ નાખ્યો છે, એમની પાસે સંગઠન નહિ હોવાથી નીચલા તબકાના લોકોને પોતાની સાથે લેવાનું નક્કી કર્યું છે, પછી એ નાના સ્વતંત્ર ધંધો કરતા હોય, જેમની માંગણીઓ ના સંતોષાઈ હોય એવા કર્મચારીઓ, ઉપરાંત  વીજળી, મહિલાઓને મહિને પૈસા, બેકારી ભથ્થું જેવા મુદ્દાને લીધા છે, જેથી જ્ઞાતિના સમીકરણ ગોઠવ્યા વગર જે સરકારથી નારાજ લોકોને આકર્ષી શકાય. શંકરાસિંહ વાઘેલા  1998માં આ પ્રયોગથી વોટ ખેંચી શક્યા હતા, પણ સીટમાં ફેરવી ન હતા શક્યા, શંકરાસિંહ પાસે એ સમયે એવું મોટું સંગઠન નહતું, આ સંજોગોમાં જો નુકસાન થશે તો કોંગ્રેસને થશે. કારણ કે, આપ દ્વારા કોઈ જ્ઞાતિના બદલે નાના વેપારીઓ, બેકાર તથા ગરીબ અને નીચલા મધ્યમ વર્ગને સ્પર્શતા પ્રશ્નોને લઇને આવ્યા છે ત્યારે એનું મોટું નુકસાન કોંગ્રેસને થશે. માત્ર કાગળ પર આયોજન એમના માટે બદામ તો સાબિત નહિ થાય. ગુજરાત કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોરે `જન્મભૂમિ' સાથેની વાતચીતમાં કહ્યું કે, અમારા માટે દરેક જ્ઞાતિ મહત્વની છે, કોઈ ચોક્કસ જ્ઞાતિને પડખે લેવાનો પ્રયાસ નથી, પણ એ વાત સાચી છે કે, ગરીબ આદિવાસીઓની જમીન વિકાસના નામે લઇ લેવી, માલધારીઓની ગોચર પડાવી એમને પરેશાન કરવા. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાંથી બક્ષીપંચની અનામત પાછલાં બારણેથી દૂર કરવામાં આવી રહી છે ત્યારે અમે એ લોકોનો અવાજ બનીને ચૂંટણી લડવા માગીયે છીએ, કોઈ ચોક્કસ જ્ઞાતિઓને લઇ નથી ચાલતા, પણ અમે પહેલેથી ગરીબ લોકોની વાત કરતા આવ્યા છે, આ વખતે આ વર્ગના લોકોની વાત કરીયે છીએ એટલે એક નવી થિયરીનું નામ કેટલાક લોકોએ આપ્યું છે. આપ તમામ સમાજના લોકોને સાથે રાખીને ચાલવા માગે છે. 

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer