વીર સાવરકરના દસ્તાવેજો સાચા પણ એ માફીનામું નથી : સાવરકરના વંશજ

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 19 : સ્વાતંત્ર્યવીર સાવરકરે આંદામાનમાં કાળાપાણીની સજામાંથી છૂટવા માટે અંગ્રેજોની માફી માગી હતી અને અંગ્રેજોએ તેમને પૅન્શન પણ આપ્યું હતું એવો આક્ષેપ કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ મહારાષ્ટ્રમાં `ભારત જોડો' યાત્રા દરમિયાન કર્યો પછી ભાજપ, મનસે અને શિવસેના (શિંદે જૂથ)એ તેમનો જોરદાર વિરોધ કર્યો હતો. 
આ ત્રણેય રાજકીય પક્ષોએ છેલ્લા ત્રણ દિવસ રાજ્યમાં વિવિધ સ્થળોએ આંદોલન પણ કર્યાં હતાં. જોકે, ખુદ સાવરકરના ભાઈના પૌત્ર સાત્યકી સાવરકરે સ્પષ્ટતા કરી છે કે રાહુલ ગાંધીએ રજૂ કરેલા પત્રો સાચા છે. તેના કારણે ભાજપ, મનસે અને શિવસેના (શિંદે) માટે વિચિત્ર અને વિમાસણભરી સ્થિતિ ઊભી થઈ છે.
સાત્યકી સાવરકરે મરાઠી ન્યૂસ ચૅનલને આજે જણાવ્યું હતું કે સ્વાતંત્ર્યવીર સાવરકરના તે પત્રો સાચા છે, પરંતુ તે પત્રોને માફીનામું કહેવું ભૂલભરેલું છે. સાવરકર જ્યારે આંદામાનમાં તેમને કાળાપાણીની સજા આપવામાં આવી હતી ત્યારે તેમને અંધારી કોટડીમાં પગમાં સાંકળ બાંધીને રાખવામાં આવતા હતા. તેથી તેમણે સામાન્ય કેદીઓને અને ખાસ કરીને રાજકીય કેદીઓને આપવામાં આવતી હોય છે એવી સુવિધાઓની માગણી કરી હતી. તેના માટે તેમણે વારંવાર આવેદનપત્ર પણ આપ્યા હતા. તેમણે માત્ર પોતાને નહીં, પરંતુ આંદામાનમાં જે ક્રાંતિકારી કાર્યકરોને કેદમાં રાખવામાં આવ્યા હતા તેઓને મુક્ત કરવાની પણ માગણી કરી હતી.
સાત્યકી સાવરકરે વધુમાં જણાવ્યું છે કે સાવરકરને બ્રિટિશરો પાસેથી પૅન્શન મળતું નહોતું. તેઓ શું સરકારી નોકરીમાં હતા? લોકોને પૅન્શન અને સસ્ટેનન્સ એલાવન્સ (નિર્વાહ ભથ્થું) વચ્ચેનો તફાવત ખબર નથી. વીર સાવરકરને નિર્વાહ ભથ્થું આપવામાં આવતું હતું. સાવરકરને રત્નાગિરિની બહાર જવાની પરવાનગી નહોતી. તેથી ઉદરનિર્વાહ ચલાવવો કેવી રીતે? આ પ્રકારના કેદીના જીવનનિર્વાહની જવાબદારી રાજ્ય સરકારની હોય છે. આ અંગેનો કાયદો વર્ષ 1928માં ઘડવામાં આવ્યો હતો. તે અનુસાર વર્ષ 1929માં નિર્વાહ ભથ્થું શરૂ કરવામાં આવ્યું હતું. તે ભથ્થું 60 રૂપિયા હતું.
રાહુલે સાવરકર વિશે કરેલાં વિધાનો યોગ્ય નહોતાં : રાઉત
કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધી દ્વારા સાવરકર વિશે ટિપ્પણ અંગે શિવસેનાના નેતા સંજય રાઉતે જણાવ્યું છે કે સ્વાતંત્ર્યસેનાની એક પક્ષના નથી હોતા. તેઓ હયાત નહીં હોવાથી પોતાનો બચાવ કરી શકતા નથી. તેઓ વિરુદ્ધ કીચડ ઉડાડવાનું યોગ્ય નથી. રાહુલે સાવરકર વિશે કરેલાં વિધાનો યોગ્ય નહોતાં.
સાવરકરના વંશજોએ પણ સમજવું જોઈએ કે નહેરુને ઉતારી પાડીને તેઓ સાવરકરને ઊંચા નહીં દેખાડી શકે.
ભારતયાત્રા ખાસ્સી લોકપ્રિય થઈ રહી હતી ત્યાં રાહુલે સાવરકર વિશે વિધાનો કરીને પોતાની યાત્રા માટે મુશ્કેલી ઊભી કરી છે.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer