એફડીએની મનમાની વિરુદ્ધ લોકસભાના સ્પીકર અને મુખ્ય પ્રધાન સમક્ષ રજૂઆત

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 19 : અખિલ ભારતીય ખાદ્યતેલ વ્યાપારી મહાસંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કૉન્ફેડરેશન અૉફ અૉલ ઇન્ડિયા ટ્રેડર્સ (કૈટ)ના મહારાષ્ટ્ર પ્રદેશ મહામંત્રી શંકર ઠક્કરે જણાવ્યું હતું કે, ખાદ્યતેલ અને ખાદ્ય સામગ્રીઓ વેચતા વેપારીઓની એફડીએના અધિકારીઓ દ્વારા કરવામાં આવતી સતામણી અને માલ જપ્ત કરવાની કાર્યવાહી અંગે રજૂઆત કરવા સંગઠનના પ્રતિનિધિઓની બેઠક લોકસભા અધ્યક્ષ ઓમપ્રકાશ બિરલા અને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે સાથે તેમ જ મહારાષ્ટ્ર વિધાનસભાના સ્પીકર રાહુલ નાર્વેકર સાથે યોજવામાં આવી હતી અને આ તમામ નેતાઓએ આ ગંભીર સમસ્યા વિશે ચર્ચા કરી હતી અને તેમણે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે તેઓ આ બાબતની નોંધ લઈને ઉચિત નિર્ણય લેશે અને જો ખોટી કાર્યવાહી કરવામાં આવી રહી હશે તો તેને રોકવાનો આદેશ આપવામાં આવશે. 
શંકર ઠક્કરે વધુમાં જણાવ્યું હતું કે, એફએસએસએઆઈ દિલ્હી દ્વારા સોમવારના ખાદ્ય વિક્રેતાઓના તમામ પ્રશ્નો અને ફરિયાદોને લઈને એક વેબિનારનું આયોજન કરવામાં આવ્યું છે. તેને અનુલક્ષીને સંગઠને જે અગાઉ 23 અને 26 નવેમ્બરના કાર્યક્રમોનો નિર્ણય લીધો હતો તેને હાલ સ્થગિત કરવામાં આવે છે અને જો આગળ કોઈ સકારાત્મક નિર્ણય લેવામાં નહીં આવે તો ફરીથી આંદોલનની તૈયારી કરવામાં આવશે.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer