ફેરિયાઓને મુદ્દે હાઈ કોર્ટે પાલિકાનો ઉધડો લીધો

મુંબઈ, તા. 19 : એ `શરમજનક' બાબત છે કે, મુંબઈમાં માર્ગો પર ચાલવાની જગ્યા નથી, એવું નિરીક્ષણ કરીને બૉમ્બે હાઈ કોર્ટે રાહદારીઓ માટે નહીં, પરંતુ વાહનચાલકો માટે આ શહેર બનાવવા બદલ બીએમસીનો ઉધડો લીધો હતો. `રાહદારીઓની તરફેણ કરવાને બદલે તમે તેની વિરુદ્ધ જઈને વાહનચાલકોની તરફેણ કરી રહ્યા છો. કોસ્ટલ રોડ, મેટ્રો વગેરેનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે, પરંતુ જે લોકો પોતાના પગ પર ચાલી રહ્યા છે અને જે સાઈકલ સવારો છે તેમનું શું થશે? આજે મુંબઈમાં ચાલવા લાયક એક પણ માર્ગ નથી,' એમ જસ્ટિસ ગૌરી ગોડસે સાથેની ડિવિઝન બેન્ચની આગેવાની લેતાં જસ્ટિસ ગૌતમ પટેલે જણાવ્યું હતું. બોરીવલી (પશ્ચિમ) ખાતેના ગોયલ પ્લાન ખાતે મોબાઈલ ફોનશોપ ચલાવતા પંકજ અને ગોપાલકૃષ્ણ અગ્રવાલની અરજીની ન્યાયમૂર્તિઓ સુનાવણી કરી રહ્યા હતા. તેમની દુકાન સામેની ફૂટપાથ પર ગેરકાયદે ફેરિયા બેઠેલા હોવાથી તેમની દુકાનમાં પ્રવેશ કરવાનું મુશ્કેલ બની જાય છે, એવી રજૂઆત તેમણે પોતાની અરજીમાં કરી હતી. મુખ્ય માર્ગ પર ફેરિયાઓ દ્વારા બનાવવામાં આવેલા સ્ટોલ્સ અને કાયમી સ્ટ્રક્ચરોને કારણે તેમની દુકાન દેખાતી નથી જો બીએમસી તેમને હટાવે તો પણ તેઓ તત્કાળ પાછા આવી જાય છે, એમ અરજીમાં જણાવવામાં આવ્યું હતું.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer