તિસ્તા સેતલવાડ અને પૂર્વ ડીજીપી શ્રીકુમારની ધરપકડ

તિસ્તા સેતલવાડ અને પૂર્વ ડીજીપી શ્રીકુમારની ધરપકડ
2002નાં રમખાણોના કેસમાં ગુજરાત એટીએસની કાર્યવાહી
સંજીવ ભટ્ટને પણ ટ્રાન્સફર વૉરંટને આધારે પકડાશે
અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા. 25 : 2002ના ગુજરાત રમખાણોના મુદ્દે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ક્લીનચીટને પડકારતી ઝાકિયા ઝાફરીની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી દેવા સાથે કાયદાકીય પ્રક્રિયાનો દુરુપયોગ કરનાર સામે કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો તેને પગલે ગુજરાત એટીએસએ મુંબઈ પહોંચી તિસ્તા સેતલવાડની અટકાયત કરી સાંતાક્રૂઝ પોલીસ સ્ટેશનમાં નોંધ કરાવી હતી, જ્યારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે પણ એક ફરિયાદ નોંધી ગુજરાતના પૂર્વ ડીજીપી આર બી શ્રીકુમારને ક્રાઈમ બ્રાન્ચ બોલાવ્યા હતા અને પ્રાથમિક પૂછપરછ પછી તેમની ધરપકડ કરી હતી. ક્રાઈમ બ્રાન્ચમાં નોંધાયેલી ફરિયાદમાં આરોપી તરીકે પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટ, પૂર્વ ડીજીપી આર બી શ્રીકુમાર અને સ્વૈચ્છિક સંસ્થા ચલાવતા તિસ્તા સેતલવાડને દર્શાવાયા છે. સેતલવાડને એટીએસ ગુજરાત લાવી હોવાનું જાણવા મળે છે.
અહીં નોંધવું ઘટે કે, ઝાકિયા ઝાફરીની અરજી ફગાવતાં સુપ્રીમ કોર્ટે ગુજરાત પોલીસને નિર્દેશ આપ્યો હતો કે, ઝાકિયાની અરજી પાછળ કોના મલિન ઈરાદાઓ છે અને કાયદાની પ્રક્રિયાને પ્રભાવિત કરવાની સાથે કાયદાની પ્રક્રિયાનો દુરુપયોગ જેમણે કર્યો છે તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. સુપ્રીમ કોર્ટના નિર્દેશને પગલે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને ગુજરાત એટીએસ હરકતમાં આવી હતી. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં પોલીસ ઈન્સપેક્ટર દર્શનાસિંહ બારડે નોંધાવેલી ફરિયાદમાં હાલમાં જેલમાં રહેલા પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટ, પૂર્વ ડીજીપી આર બી શ્રીકુમાર અને સ્વૈચ્છિક સંસ્થા ચલાવતા તિસ્સા સેતલવાડને આરોપી દર્શાવી તેમના પર આરોપ મૂકવામાં આવ્યો છે કે, સંજીવ ભટ્ટ, શ્રીકુમાર અને તિસ્તા સેતલવાડ પાસે ઘટનાની સાચી જાણકારી હોવા છતાં તેમણે ખોટી જાણકારી જાહેર કરી ગુજરાતની છબીને નુકસાન પહોંચાડ્યું તેની સાથે કાયદાકીય પ્રક્રિયાને પ્રભાવિત કરી તેનો દુરુપયોગ પણ કર્યો. 

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer