વડા પ્રધાનને બદનામ કરનારાઓ માફી માગે : અમિત શાહ

વડા પ્રધાનને બદનામ કરનારાઓ માફી માગે : અમિત શાહ
ગુજરાતનાં રમખાણોમાં મોદી સામેના આક્ષેપો રાજકારણથી પ્રેરિત
નવી દિલ્હી, તા. 25 : ગુજરાત રમખાણોના મામલામાં નરેન્દ્ર મોદી ક્લિનચીટના સીટના આદેશને પડકારતા ઝાકિયા જાફરીએ કરેલી અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા બાદ દેશના ગૃહપ્રધાન અમિત શાહે જણાવ્યું હતું કે, ખોટા આરોપ મૂકનાર લોકોએ ભાજપ અને મોદીજીની માફી માગવી જોઈએ.
સર્વોચ્ચ અદાલતના ફેંસલાએ સાબિત કરી આપ્યું છે કે, ત્યારની ગુજરાત સરકાર પર મુકાયેલા આરોપો રાજકારણ પ્રેરિત હતા, તેવું સમાચાર એજન્સી એએનઆઈને આપેલી મુલાકાતમાં ગૃહમંત્રીએ કહ્યું હતું.
લગભગ 40 મિનિટની મુલાકાતમાં શાહે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હંમેશાં કાયદાનો સાથ આપ્યો છે અને ન્યાયતંત્ર પર વિશ્વાસ રાખ્યો છે.
એક સવાલના જવાબમાં તેમણે કહ્યું હતું કે, ગુજરાત સરકારે કોઈ પણ વિલંબ કર્યા વિના ગુજરાત બંધનું એલાન થયું એ જ દિવસે સેનાને બોલાવી લીધી હતી. કોર્ટે પણ એ જ પગલાંની પ્રશંસા કરી હતી.
દિલ્હીમાં તો સેનાનું મુખ્યમથક છે. મોટી સંખ્યામાં શિખ ભાઈઓ મરાયા ત્યારે ત્રીજા દિવસ સુધી કંઈ જ ન થયું હતું, તેવા પ્રહારો શાહે કર્યા હતા.
મેં મોદીજીને દર્દ સહન કરતા નજીકથી જોયા છે. મજબૂત મનનો વ્યક્તિ જ આવું વલણ અપનાવી શકે છે. 18-19 વર્ષથી લડાઈમાં દેશના આટલા મોટા નેતા એક શબ્દ પણ બોલ્યા વગર બધા દુ:ખો ભગવાન શંકરના વિષપાનની જેમ ગળે ઉતારીને લડતા રહ્યા, તેવું અમિત શાહે જણાવ્યું હતું.
ગૃહપ્રધાને કહ્યું હતું કે, મોદીજીની પણ પૂછતાછ થઈ હતી, પરંતુ ત્યારે કોઈએ ધરણાં, પ્રદર્શન નહોતાં કર્યાં. અમે કાયદાને સહયોગ આપ્યો.
મારી પણ ધરપકડ થઈ હતી, પરંતુ કોઈ પણ દેખાવો ન થયા. જે લોકોએ મોદીજી પર આરોપ મૂક્યા છે, તેમનો અંતરાત્મા હોય તો ભાજપ અને મોદીજીની માફી માગવી જોઈઅ, તેવું શાહે કહ્યું હતું.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer