બસમાંથી ઉતરો અને ઈ-બાઇકથી અૉફિસે પહોંચી જાઓ
મુંબઈ, તા. 25 : શનિવારથી પ્રાયોગિક ધોરણે છ બસ સ્ટોપ ઉપર 60 ઇ બાઇકની સેવા શરૂ કરવામાં આવી છે. પ્રવાસીઓ બસમાંથી ઉતરીને પોતાની અૉફિસે ઇ બાઇક મારફત પહોંચી શકશે. આ પ્રકલ્પ અંગે બેસ્ટ પ્રશાસને જણાવ્યું હતું કે, ઇ બાઇકની સેવાનો ઉપયોગ કરવા પ્રવાસીઓ એપનો ઉપયોગ કરી શકશે. બસમાં પ્રવાસ નહીં કર્યો હોય તેવા પ્રવાસીઓ પણ આ સેવાનો ઉપયોગ એપ મારફત કરી શકશે. પ્રાયોગિક ધોરણે ઇ બાઇકની સેવા અંધેરી પૂર્વના ડાયનેસ્ટી બિઝનેસ પાર્ક, જે બી નગર મેટ્રો સ્ટેશન, આકૃતિ સ્ટાર, ચકાલા ઇન્ડસ્ટ્રીયલ પરિસર (એમઆઇડીસી), ટેકનોપોલીસ નોલેજ પાર્ક, અંધેરી બસ ડેપો (આગરકર ચૌક), સહહાર રોડ, રેલવે કોલોની પાસે મૂકાઇ છે. ઇ બાઇકનું ભાડુ રૂ.20 અને પ્રતિ કિલોમીટર રૂ.3નો ચાર્જ વસુલાશે અને પ્રત્યેક મિનિટના દોઢ રૂપિયા વસુલાશે. આ સેવા માટે ડિજીટલ પેમેન્ટ પણ આપી શકાશે.
બેસ્ટના જનરલ મૅનેજર લોકેશ ચંદ્રાએ જણાવ્યું હતું કે બેસ્ટ પહેલી સેવા છે જે પ્રવાસીને ગંતવ્યસ્થાન સુધી પ્રવાસ કરવાની સેવા આપી રહી છે. બેસ્ટનો પ્રવાસ માણ્યા બાદ પ્રવાસી બસ સ્ટોપ ઉપર ઉતરીને ઇ બાઇક મારફત અૉફિસે પહોંચી શકશે.
આ પ્રયોગ પહેલીવાર અંધેરી પૂર્વમાં શરૂ કરાયો છે. આ સેવાને પ્રતિસાદ જોયા બાદ અન્ય સ્થળોએ પણ સેવા શરૂ કરવાની બેસ્ટની યોજના છે. આ સેવા તમામ બસ સ્ટોપ ઉપર શરૂ કર્યા બાદ બેસ્ટની ચલો એપમાં પણ તેનો વિકલ્પ પ્રવાસીઓ માટે ઉપલબ્ધ કરી દેવાશે.
આ સેવા ત્યારબાદ માસિક પાસની જેમ ઉપયોગમાં લઇ શકાશે. ચલો એપ કે સ્માર્ટ કાર્ડ રૂ.350નો ખરીદ્યા બાદ તેમાં રૂ.100 કે રૂ.150નો ઉમેરો કરવાથી મહિનામાં ઇ બાઇકનો આખા શહેરમાં અનલિમિટેડ વપરાશ કરવાની યોજના છે. આ પ્રકલ્પ માટે બેસ્ટ પ્રશાસને વોગો કંપની સાથે કરાર કર્યા છે. જે સેલ્ફ ડ્રાઇવ શેર મોબિલીટી કંપની છે અને ભારતમાં બાઇક કે ટુ વ્હૂલર સેવા ભાડે આપે છે.
દરમિયાન, બેસ્ટના મહાવ્યવસ્થાપક લોકેશ ચંદ્રાએ જન્મભૂમિ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અંધેરીમાં ચાર સ્થળોએ આ સેવા શરૂ થઇ ગઇ છે. તેનો કેટલો પ્રતિસાદ મળ્યો તેની વિગતો હજી પ્રાપ્ત થઇ નથી. તે વિગતો આગામી બેથી ત્રણ દિવસમાં પ્રાપ્ત થશે, એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.
બેસ્ટની નવી ઈ-બાઇક સેવાનો પ્રારંભ
