નવી દિલ્હી, તા. 25 : રાષ્ટ્રપતિ પદ માટે વિપક્ષી છાવણીના ઉમેદવાર અને અટલબિહારી વાજપેયી સરકારમાં પ્રધાન રહી ચૂકેલા યશવંત સિંહાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ તેમજ વરિષ્ઠ ભાજપ નેતા લાલકૃષ્ણ અડવાણીને ફોન કરીને સમર્થન માગ્યું હતું.
એનડીએનાં ઉમેદવાર દ્રૌપદી મુર્મુ સામે મેદાને પડેલા યશવંત સિંહાએ એક મુલાકાતમાં એવું પણ કહી દીધું હતું કે, આ મારી છેલ્લી ચૂંટણી છે.
વાજપેયી સરકારમાં નાણાં તેમજ વિદેશ પ્રધાન રહી ચૂકેલા યશવંતના પુત્ર અને ભાજપના સાંસદ જયંત સિંહા કહી ચૂક્યા છે કે, રાષ્ટ્રપતિ ચૂંટણીમાં હું મારા પક્ષના ઉમેદવારને પસંદ કરીશ.
સિંહાએ ઝારખંડના મુખ્ય પ્રધાન હેમંત સોરેનને પણ ફોન કરીને યાદ અપાવ્યું હતું કે, તેમના પક્ષ ઝારખંડ મુક્તિ મોરચાએ વિપક્ષના ઉમેદવારને સમર્થન આપવાનું એલાન કર્યું હતું.
ખાસ ઉલ્લેખનીય છે કે, ઝારખંડ મુક્તિ મોરચાએ કેન્દ્રમાં સત્તારૂઢ એનડીએ જોડાણના ઉમેદવાર સંથાલ આદિવાસી નેતા દ્રૌપદી મુર્મુને સમર્થન આપી દીધું છે. યશવંત સિંહા સોમવારે 21મી જૂનના દિવસે રાષ્ટ્રપતિ પદ માટે નામાંકન ભરશે. એ પહેલાં સમર્થન મેળવવા માટે સતત નેતાઓના સંપર્કમાં છે.
રાષ્ટ્રપતિની ચૂંટણી : વિપક્ષ તરફથી યશવંત સિંહા કાલે ઉમેદવારી નોંધાવશે
