નવી દિલ્હી, તા. 25 : ભાજપના નેતૃત્વ પર સતત પ્રહારો કરી રહેલા મેઘાલયના રાજ્યપાલ સત્યપાલ મલિકે `અગ્નિવીર' યોજનાને પરત ખેંચવાની માંગ કરી હતી. એક ખાનગી સમાચાર ચેનલ સાથે વાત કરતાં તેમણે કહ્યું કે, હું વડાપ્રધાન નરેન્દ્ર મોદીને હાથ જોડીને વિનંતી કરું છું કે તેઓ આ યોજનાને પરત લે. આ યોજના યુવાનોના હિતમાં નથી.
તેમણે કહ્યું કે, આ યોજના એવું બતાવે છે કે સરકાર અને ગામો વચ્ચેનું અંતર વધી રહ્યું છે. રાજ્યપાલે યુવાનોને એવો આગ્રહ પણ કર્યો હતો કે, તેઓ વિરોધપ્રદર્શન કરતી વખતે હિંસા કરે નહીં.
તેમણે કટાક્ષ કરતાં કહ્યું કે, જે મુખ્યમંત્રીઓ એવાં વચનો આપી રહ્યા છે કે તેઓ નોકરીઓ આપશે હકીકતમાં તેઓ બીજી વખત મુખ્યમંત્રી બનશે કે કેમ તે પણ નક્કી નથી.
સેનાના અધિકારીઓ દ્વારા આ યોજના બાબતે સરકારનો બચાવ કરવાની પણ મલિકે નિંદા કરી હતી. તેમણે કહ્યું હતું કે, અત્યારે માત્ર ન્યાયાલય અને યુનિફોર્મનું જ માન બચ્યું છે. વર્દીધારી જનરલને ટીવી પર લાવવા જોઈતા ન હતા.
`અગ્નિવીર'' યોજના પરત લેવા મેઘાલયના રાજ્યપાલની માગ
