મુંબઈ, તા. 25 (પીટીઆઈ) : શિવસેનાના બળવાખોર નેતા એકનાથ શિંદેના વડપણ હેઠળના જૂથે જણાવ્યું છે કે અમે પક્ષ છોડયો નથી. આમ છતાં મહારાષ્ટ્ર વિધાનસભામાં અમે શિવસેના (બાળાસાહેબ)ના નામ હેઠળ અલગ જૂથ તરીકે બેસશું. અમે શિવસેના પક્ષ તોડયો નથી પણ ભાજપ સાથે હાથ મિલાવવાનું કહીએ છીએ.
બળવાખોર જૂથના પ્રવક્તા દીપક કેસરકરે ગુવાહાટીથી વર્ચ્યુઅલ પત્રકાર પરિષદમાં જણાવ્યું છે કે અમે વિધાનસભામાં બે તૃતીયાંશ બહુમતી ધરાવીએ છીએ. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે સાથેની મડાગાંઠ વર્ષ 2019માં ભાજપ સાથે છેડો ફાડવાની અને કૉંગ્રેસ-રાષ્ટ્રવાદી સાથે સમજૂતી કરવાના મુદ્દે છે. માત્ર 16 કે 17 જણ 55 વિધાનસભ્યોના નેતાને બદલી શકે નહીં. શિવસેનાની વિધાનમંડળ પાંખના નેતાપદે અજય ચૌધરીને નીમવાના ડેપ્યુટી સ્પીકરના નિર્ણયને અમે અદાલતમાં પડકારશું. અમે પક્ષપ્રમુખ ઉદ્ધવ ઠાકરેને કહી દીધું છે કે અમે જેની ટિકિટ ઉપર ચૂંટણી લડયા હતા તેને વળગી રહીશું. અનેક લોકોએ આ અભિપ્રાય આપ્યો છે તેથી તેમાં વજૂદ છે. ઉદ્ધવ ઠાકરે સરકારને આપવામાં આવેલો ટેકો તમે પાછો ખેંચશો? એવા પ્રશ્નના ઉત્તરમાં કેસરકરે જણાવ્યું હતું કે અમે શા માટે ટેકો પાછો ખેંચીએ? અમે શિવસેના છીએ અમે પક્ષને હાઈજેક કર્યો નથી. અમારા પક્ષને કૉંગ્રેસ અને રાષ્ટ્રવાદીએ હાઇજેક કર્યો છે. અમે વિધાનસભામાં અમારી બહુમતી પુરવાર કરશું અને અન્ય કોઈ પક્ષમાં નહીં ભળીએ. અમે બાળાસાહેબ ઠાકરેની વિચારધારામાં માનીએ છીએ તેથી અમે તે અમારા જૂથનું નામ શિવસેના (બાળાસાહેબ) આપ્યું છે. બાળ ઠાકરેનું નામ વાપરવા સામે ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળના શિવસેના પક્ષે વાંધો ઉઠાવ્યો છે.
અમે શિવસેના તોડવાનું નહીં ભાજપ સાથે હાથ મિલાવવાનું કહીએ છીએ : શિંદે
