પગપાળા હજ યાત્રા પર વિવાદ

પગપાળા હજ યાત્રા પર વિવાદ
મલપ્પુરમ, તા. 25 : કેરળના એક મુસ્લિમની પગપાળા હજ યાત્રા બાબતે ઈસ્લામિક વિદ્વાનોમાં વિવાદ સર્જાયો છે. શિહાબ છોત્તૂરે આ મહિનાના પહેલા અઠવાડિયામાં મલપ્પુરમથી મક્કા સુધીની 8,600 કિલોમીટરની પદયાત્રા શરૂ કરી છે. જોકે એ હજી રાજ્યની સીમાએ પહોંચે એ પહેલાં જ વિદ્વાનોમાં એની પદયાત્રાને લઈને વિવાદ શરૂ થઈ ગયો છે.
કેરળના સલાફી વિદ્વાન મુજાહિદ બાલુસ્સરીએ એક વકતવ્યમાં જણાવ્યું હતું કે, શિહાબની હજ પદયાત્રા પયગંબરના સુન્નાહના નિયમોની વિરુદ્ધ છે, કારણ કે વાહનની સુવિધા ઉપલબ્ધ હોય તો ચાલવું સારું નથી. તેમણે કહ્યું હતું કે અર્વાચીન સમયમાં પદયાત્રા કરવી ઈસ્લામિક નથી. તેમણે શિહાબને પદયાત્રા અટકાવીને પાછા આવવાની શિખામણ આપી છે. જોકે, તેમના આ વકતવ્યથી વિવાદનો મધપૂડો છંછેડાયો છે.
પરંપરાગત સુન્ની ગ્રુપના કેટલાક વિદ્વાનોએ બાલુસ્સરીની ટીકા કરતાં જણાવ્યું હતું કે ઈસ્લામમાં પગે ચાલીને યાત્રા કરવાની મનાઈ નથી. એ સાચું છે કે વાહન દ્વારા પ્રવાસ કરવો બહેતર છે, પરંતુ કોઈ વ્યક્તિ પગપાળા જવાનો નિર્ણય કરે તો એને અટકાવવાનો કોઈ અર્થ નથી.
શિહાબે જોકે વિવાદ પ્રત્યે ધ્યાન આપ્યા વગર પોતાની યાત્રા ચાલુ રાખી છે. ભારત, પાકિસ્તાન, ઈરાન, ઈરાક, કુવૈત અને સાઉદી અરેબિયા થઈને તેઓઁ ફેબ્રુઆરી 2023માં મક્કા પહોંચે એવી આશા છે. ઘણાં વ્લોગર્સ એમને પ્રોત્સાહન આપી રહ્યા છે. 21મી સદીમાં કેરળથી પગે ચાલીને હજ યાત્રા કરનાર શિહાબ કદાચ પ્રથમ વ્યક્તિ છે. 

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer