વિમ્બલડનનો ડ્રૉ : સેરેના વિલિયમ્સ કરશે વાપસી

વિમ્બલડનનો ડ્રૉ : સેરેના વિલિયમ્સ કરશે વાપસી
પુરુષ સિંગલ્સમાં જોકોવિચને પહેલો અને નાડાલને બીજો ક્રમાંક : 27 જૂનથી ટૂર્નામેન્ટની શરૂઆત
નવી દિલ્હી, તા. 25: વિમ્બલડન ચેમ્પિયનશિપ 2022 માટે ડ્રોનું એલાન કરી દેવામાં આવ્યું છે. 23 વખતની ગ્રાન્ડ સ્લેમ સિંગલ્સ ચેમ્પિયન સેરેના વિલિયમ્સ પહેલા રાઉન્ડમાં દુનિયાની 113મા નંબરની ખેલાડી હાર્મની ટૈનનો સામનો કરશે. સેરેનાને વાઇલ્ડ કાર્ડ મારફતે ટૂર્નામેન્ટમાં એન્ટ્રી મળી છે. સેરનાએ ઇન્ટરનેશનલ ટૂર્નામેન્ટ મારફતે એક વર્ષ બાદ ટેનિસ કોર્ટ ઉપર વાપસી કરી છે. આ ટૂર્નામેન્ટમાં સેરેના ડબલ્સના ક્વાર્ટર ફાઇનલ સુધી પહોંચવામાં સફળ રહી હતી.આ વખતે વિમ્બલડનની શરૂઆત 27 જૂનથી થઈ રહી છે. 10 જુલાઈના રોજ ટૂર્નામેન્ટ સમાપ્ત થશે અને તેમાં રમાનારા મેચના પોઇન્ટ રેન્કિંગમાં સામેલ કરવામાં આવશે નહી. 
સેરેના વિલિયમ્સ એક વર્ષ પહેલા વિમ્બલડનના પહેલાદોરમાં ઈજાગ્રસ્ત થયા બાદ એકપણ સિંગલ્સ મેચ રમી શકી નથી. પહેલી બાધા પાર કર્યા બાદ સેરેનાનો સામનો 32મા નંબરની સારા સોરિબેસ ટોર્મો સામે થઈ શકે છે જ્યારે ત્રીજા દોરમાં છઠ્ઠા ક્રમાંકની કેરોલિના પ્લિસ્કોવાનો પડકાર મળી શકે છે. શીર્ષ ક્રમાંકિત ઈગા સ્વિયાતેક જે 35 મેચથી અજેય છે તે પોતાના શરૂઆતી મેચમાં ક્રોએશિયા ક્વોલિફાયર જાના ફેટ સામે ટકરાશે. બ્રિટનની યુએસ ઓપન ચેમ્પિયન એમ્મા રાડુકાનૂનો સામનો બેલ્જિયમની એલિસન વાન યુ સામે થશે જ્યારે સિમોના હાલેપ પહેલા દોરમાં ચેક ગણરાજ્યની કેરોલિના મુચોવા સામે ટકરાશે. 
પુરુષ સિંગલ્સની વાત કરવામાં આવે તો સર્બિયાનો નોવાક જોકોવિચને પહેલો અને રાફેલ નાડાલને બીજો ક્રમાંક મળ્યો છે. રાફેલ નાડાલે હાલમાં જ ફ્રેન્ચ ઓપન જીત્યો છે. જે કારકિર્દીનો રેકોર્ડ 22મા ગ્રાન્ડ સ્લેમ છે. ખાસ વાત એ છે કે વિમ્બલડન ચેમ્પિયનશિપમાં થનારા મેચ અંક રેન્કિંગમાં જોડાશે નહીં. તેનાં કારણે એટીપી અને ડબલ્યુટીએ રેન્કિંગમાં કોઈ અસર થશે નહીં. ઉલ્લેખનીય છે કે યુક્રેન ઉપર રશિયાનાં આક્રમણના કારણે રશિયાન ખેલાડીઓ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. 

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer