ડબલીન, તા. 25 : ભારત અને આયર્લેન્ડ વચ્ચે આજથી ટી20 શ્રેણીની શરૂઆત થવા જઈ રહી છે. આ શ્રેણીમાં માત્ર બે ટી20 મેચ રમાવાના છે અને બન્ને મેચ ડબલીનમાં રમાશે. શ્રેણીમાં ઋતુરાજ ગાયકવાડ અને સંજૂ સેમસન સહિત ભારતના બીજી કતારમાં રહેલા ખેલાડીઓને સીનિયર ખેલાડીઓની વાપસી પહેલા આયર્લેન્ડ સામે પોતાને સાબિત કરવાની તક રહેશે. ઋષભ પંતના ઈંગ્લેન્ડ પ્રવાસમાં સામેલ હોવાના કારણે હાર્દિક પંડયાને ટીમની કમાન સોંપવામાં આવી છે.
રોહિત શર્માને આરામ અપાયા બાદ કેએલ રાહુલ ઈજાગ્રસ્ત થવાથી પંતને દક્ષિણ આફ્રિકા સામે ઘરેલુ ટી20 શ્રેણીમાં નેતૃત્વ સોંપવામાં આવ્યું હતું. હવે હાર્દિક પંડયાને જવાબદારી સોંપવામાં આવી છે. આ ઉપરાંત રાષ્ટ્રીય ક્રિકેટ એકેડમીના પ્રમુખ વીવીએસ લક્ષ્મણ શ્રેણીમાં કોચની ભુમિકામાં છે. કારણ કે મુખ્ય કોચ રાહુલ દ્રવિડ ટીમ સામે ઈંગ્લેન્ડમાં છે.
આજે હાર્દિકની આગેવાનીમાં આયર્લેન્ડ સામે ટી-20ની ટક્કર
