આગામી વર્ષે આઇપીએલને અઢી વર્ષની વિન્ડો આપવાનો વિરોધ
ઈસ્લામાબાદ, તા. 25 : પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ હવે સત્તાવાર રીતે બીસીસીઆઇ સામે ટકરાવાની વાત કરી છે. થોડા સમય પહેલા બીસીસીઆઇ સચિવ જય શાહે કહ્યું હતું કે, આગામી વર્ષે આઇપીએલ અઢી મહિના ચાલશે. આ માટે આઇસીસીના એફટીપી (ફ્યુચર ટૂર પ્રોગ્રામ્સ)માં પણ અઢી મહિનાનો વિન્ડો રહેશે. હવે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે જય શાહના પ્લાનને આઇસીસીમાં પડકારવાનો નિર્ણય લીધો છે. પીસીબીના ચેરમેન રમીઝ રાજાના કહેવા પ્રમાણે આઇપીએલની વિન્ડો વધારવા અંગે કોઈ ઘોષણા કે નિર્ણય કરવામાં આવ્યો નથી. તે આગામી આઇસીસી કોન્ફ્રેન્સમાં આ મુદ્દે પોતાની વાત રજૂ કરશે.
રમીઝ રાજાએ કહ્યું હતું કે, જો વિશ્વ ક્રિકેટમાં આવો કોઈ નિર્ણય થાય તો તેનો અર્થ એવો છે કે ક્રિકેટને નાના પ્રારૂપમાં સીમિત કરવામાં આવી રહ્યું છે. આ નિર્ણયને પડકારવામાં આવશે. સાથે જ આઇસીસીમાં આ વાતને લઈને પોતાનો પક્ષ મજબુતીથી રજૂ કરવામાં આવશે. પીસીબી ચેરમેને કહ્યું હતું કે, પાકિસ્તાન ટીમ ઇન્ડિયા સાથે ક્રિકેટ રમવા માટે ઈચ્છુક છે. આ મામલે સૌરવ ગાંગુલી સાથે પણ વાત કરવામાં આવી છે. તેઓએ કહ્યું હતું કે, વર્તમાન સમયમાં ત્રણ પૂર્વ ક્રિકેટ દેશનું ક્રિકેટ બોર્ડ સંભાળી રહ્યા છે અને તેઓ નિર્ણય નહીં કરે તો કોણ કરશે ? ગાંગુલીએ આઇપીએલ ફાઇનલ માટે પણ આમંત્રણ આપ્યું હતું જો કે કોઈ કારણોસર પહોંચી શક્યો નહોતો. જય શાહે અગાઉ કહ્યું હતું કે, આઇસીસીના આગામી એફટીપીમાં આઇપીએલ માટે અઢી મહિનાની વિન્ડો રહેશે. જેથી તમામ શીર્ષ ક્રિકેટર ભાગ લઈ શકશે. આ મુદ્દે વિભિન્ન બોર્ડ સાથે આઇસીસી સાથે પણ ચર્ચા કરવામાં આવી છે.
બીસીસીઆઇ સામે ટકરાશે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ
