શિંદેના સાંસદ પુત્રના કાર્યાલય ઉપર શિવસેના કાર્યકર્તાઓનો પથ્થરમારો

શિંદેના સાંસદ પુત્રના કાર્યાલય ઉપર શિવસેના કાર્યકર્તાઓનો પથ્થરમારો
મુંબઈ/થાણે, તા. 25 (પીટીઆઇ) : શિવસેનાના વિદ્રોહી નેતા એકનાથ શિંદેના પુત્ર અને કલ્યાણના લોકસભાના સાંસદ શ્રીકાંત શિંદેના કાર્યાલય ઉપર પથ્થરમારો કરવાના આરોપમાં થાણે જિલ્લામાં શનિવારે શિવસેનાના લગભગ પાંચ સમર્થકોને તાબામાં લેવાયા હતા. 
આ ઘટના સાંસદના ઉલ્હાસનગર સ્થિત ગોલ માન કાર્યાલયમાં બપોરે એક વાગ્યે બની હતી અને તેનો વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો હતો. વીડિયોમાં કેટલાક લોકો શ્રીકાંત શિંદેના ઉલ્હાસનગરના કાર્યાલય ઉપર પથ્થરમારો કરતા અને બોર્ડને નુકસાન પહોંચાડતા જોવા મળે છે અને ઉદ્ધવ ઠાકરેના સમર્થનમાં નારેબાજી કરી રહ્યા હતા. વીડિયોમાં ચાર પોલીસ કર્મચારીઓ આઠથી દસ લોકોના ગ્રુપનો પીછો કરતા જોવા મળે છે. ઉલ્હાસનગર પોલીસ અધિકારી અનુસાર આ ઘટના માટે જવાબદાર શિવસેનાના પાંચ સમર્થકોને તાબામાં લેવાયા છે. વધુ તપાસ ચાલી રહી છે. આ ઉપરાંત નવી મુંબઈમાં એકનાથ શિંદેના પોસ્ટર ઉપર કાળી સ્યાહી ફેંકાઇ હતી. નાગપુર અને નાશિકમાં પણ આવા પ્રકારની ઘટનાઓ બની હતી. 
વિધાનસભ્ય મંગેશ કુડાલકરના કાર્યાલયમાં તોડફોડ 
મુંબઈમાં કુર્લાના નહેરુનગરના વિધાનસભ્ય મંગેશ કુડાલકરના કાર્યાલયમાં મૂકાયેલા બોર્ડની તોડફોડ કરવાના આરોપમાં શિવસેનાના કેટલાક પદાધિકારીઓ સહિત લગભગ 20 સમર્થકોને શુક્રવારે તાબામાં લેવાયા બાદ ચેતવણી આપીને છોડી મૂકાયા હતા.
પુણેમાં વિધાનસભ્યના કાર્યાલયમાં તોડફોડ : દરેક વિદ્રોહીને નિશાન બનાવાશે
પુણેના વિધાનસભ્ય તાનાજી સાવંતની અૉફિસમાં તોડફોડ કરવામાં આવી હતી. કાતરેજ વિસ્તારમાં આવેલા સાવંતના કાર્યાલયમાં સવારે કેટલાક કાર્યકરો પહોંચી ગયા હતા અને તોડફોડ કરી હતી. આ અંગે વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, સાવંતના સાકર કારખાનાના કાર્યાલય ઉપર સવારે 10.30 વાગ્યે હુમલો થયો હતો. આ મામલે કેસ નોંધાયો છે અને તપાસ ચાલી રહી છે. 

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer