ગુવાહાટી ગયેલા વિદ્રોહી પ્રધાનો 24 કલાકમાં હોદ્દા ગુમાવશે : રાઉત

ગુવાહાટી ગયેલા વિદ્રોહી પ્રધાનો 24 કલાકમાં હોદ્દા ગુમાવશે : રાઉત
મુંબઈ, તા. 25 (પીટીઆઈ) : એકનાથ શિંદેની છાવણીમાંના બળવાખોર પ્રધાનો આવતા 24 કલાકમાં પોતાના હોદ્દા ગુમાવશે, એમ આજે શિવસેનાના પ્રવક્તા સંજય રાઉતે જણાવ્યું હતું.
શિંદે સાથે ગુવાહાટી ગયેલા મહાવિકાસ આઘાડી સરકારના પ્રધાનો ગુલાબરાય પાટીલ, દાદા ભૂસે, સંદીપન ભુમરે, શંભુરાજ દેસાઈ અને અબ્દુલ સત્તાર તેમ જ પ્રહાર જનશક્તિ પાર્ટીના ઓમપ્રકાશ ઉર્ફે બચ્ચુ કડુનો સમાવેશ થાય છે.
રાઉતે આજે જણાવ્યું હતું કે ગુલાબરાવ પાટીલ, દાદા ભૂસે અને સંદીપન ભુમરેને નિષ્ઠાવંત શિવસૈનિકો માનવામાં આવતા હતા. તેથી તેઓને પ્રધાન બનાવવામાં આવ્યા છે. તેઓએ ખોટો માર્ગ પસંદ કર્યો છે. તેથી તેઓ આગામી 24 કલાકમાં પ્રધાનપદ ગુમાવશે.
સંજય રાઉતે આજે બળવાખોર વિધાનસભ્યોને ધમકી આપતા જણાવ્યું હતું કે, શિવસૈનિકો ધીરજ અને સંયમ રાખીને બેઠા છે. અન્ય શહેરોમાં આગ લાગી હોત. તેના માટે વિધાનસભ્યોને કહું છું કે તમે ગુવાહાટીથી પાછા ફરો. બળવાખોર નેતા એકનાથ શિંદેના જૂથ તરફથી થતા દાવા અંગે રાઉતે જણાવ્યું હતું કે, વિધાનસભામાં વિશ્વાસનો મત અમે જ મેળવશુ. હું ઉદ્ધવ ઠાકરે વતીથી બોલુ છું તે યાદ રાખજો, એમ રાઉતે ઉમેર્યું હતું.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer