રાજકીય પક્ષોને બાળ ઠાકરેનું નામ વાપરવાની મનાઈ

રાજકીય પક્ષોને બાળ ઠાકરેનું નામ વાપરવાની મનાઈ
બળવાખોરો વિરુદ્ધ પગલાં ભરવાની સત્તા ઉદ્ધવને અપાઈ
મુંબઈ, તા. 25 (પીટીઆઈ) : શિવસેનાની રાષ્ટ્રીય કારોબારીએ આજે ઠરાવ પસાર કરીને બળવાખોર વિધાનસભ્યો વિરુદ્ધ પગલાં ભરવાની સત્તા મુખ્ય પ્રધાન અને પક્ષપ્રમુખ ઉદ્ધવ ઠાકરેને સત્તા આપી છે. રાષ્ટ્રીય કારોબારીમાં આજે પક્ષના સ્થાપક પ્રમુખ બાળ ઠાકરેના નામનો ઉપયોગ કરવાની કોઈપણ રાજકીય પક્ષને મનાઈ ફરમાવી છે. શિવસેનાના બાળ ઠાકરેની આક્રમક હિન્દુત્વ અને મરાઠી ગૌરવની વિચારધારાને આગળ ધપાવવા કૃતનિશ્ચય છે. શિવસેના તેમની વિચારધારાથી ચલિત નહીં થાય.
શિવસેનાના પ્રવકતા સંજય રાઉતે પત્રકારોને જણાવ્યું હતું કે, શિવસેના સાથે દગો કરનારા બળવાખોરો વિરુદ્ધ કાર્યવાહી કરવાની સત્તા ઉદ્ધવ ઠાકરેને આપવામાં આવી છે.
શિવસેનાની રાષ્ટ્રીય કારોબારીની બેઠકમાં ચાર પ્રસ્તાવ મંજૂર કરવામાં આવ્યા હતા. તેમાં શિવસેનાના સ્થાપક પ્રમુખ બાળ ઠાકરેના નામનો ઉપયોગ અન્ય રાજકીય પક્ષોને મનાઈ ફરમાવવાનો, બળવાખોરો વિરુદ્ધ કાર્યવાહીની સત્તા ઉદ્ધવ ઠાકરેને આપવાનો, ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વમાં વિશ્વાસ વ્યક્ત કરવાનો તેમ જ હિન્દુત્વ અને મરાઠી અસ્મિતાનો પ્રસ્તાવ મંજૂર કરવામાં આવ્યો હતો. 
બાળ ઠાકરેના નામનો ઉપયોગ અન્ય રાજકીય પક્ષોને કરવા દેવાની મનાઈ ફરમાવવા માટે શિવસેના કેન્દ્રીય ચૂંટણી પંચને વિનંતી કરશે, એમ નક્કી કરવામાં આવ્યું હતું.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer