બીજી ટી20માં મહિલા ટીમની જીત : શ્રીલંકા સામે અજેય બઢત

શ્રીલંકાએ આપેલા 125 રનના લક્ષ્યને ભારતીય ટીમે 19.1 ઓવરમાં પાર પાડયું
દાંબુલા, તા. 25: ભારતીય મહિલા ટીમે શ્રીલંકા સામે બીજા ટી 20 મેચમાં જીત મેળવીને શ્રેણીમાં અજેય બઢત મેળવી લીધી છે. મેચમાં શ્રીલંકાએ આપેલા 125 રનના ટાર્ગેટને ભારતીય ટીમે છેલ્લી ઓવરમાં પાર પાડયો હતો અને જીત નોંધાવી હતી. 
મેચમાં શ્રીલકાંએ ટોસ જીતીને પહેલા બેટિંગ પસંદ કરી હતી. જો કે ઓપનર વિશમી ગુનારત્ને અને અટ્ટાપટ્ટુ સિવાય કોઈપણ બેટર ડબલ આંકડા સુધી પહોંચી શકી નહોતી અને શ્રીલંકાની ટીમનો ધબડકો થયો હતો. ગુનારત્નેએ 45 રન અને અટ્ટાપટ્ટુએ 43 રન કર્યા હતા. બન્ને ઓપનર વચ્ચે 87 રનની ભાગીદારી થઈ હતી. બાદમાં એક પછી એક વિકેટનું પતન યથાવત્ રહ્યું હતું અને શ્રીલંકન મહિલા ટીમ નિયત 20 ઓવરમાં સાત વિકેટના નુકસાને 125 રન જ બનાવી શકી હતી. મેચમાં દિપ્તી શર્માએ બે વિકેટ લીધી હતી જ્યારે રેનુકા સિંહ, રાધા યાદવ, પૂજા વત્રાકર અને હરમનપ્રીત કૌરને એક-એક વિકેટ મળી હતી. 
લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમે શરૂઆતથી જ તકેદારીપૂર્વકની રમત બતાવી હતી. જેમાં સ્મૃતિ મંદાનાએ 34 બોલમાં 39 રન કર્યા હતા જ્યારે શેફાલી વર્મા અને મેઘનાએ 17-17 રન કર્યા હતા. આ ઉપરાંત હરમનપ્રીત કૌરે 31 રને નોટઆઉટ રહીને ટીમને જીત સુધી પહોંચાડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. ભારતે 19.1 ઓવરમાં 05 વિકેટ ગુમાવીને 125 રનનું લક્ષ્ય પાર પાડયું હતું.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer