રણજી ફાઇનલ : મધ્યપ્રદેશની મજબૂત પકડ

મધ્યપ્રદેશે પહેલી ઇનિંગ્સમાં 536 રન ખડક્યા : બીજા દાવમાં મુંબઈના 2/136
નવી દિલ્હી, તા. 25 : મુંબઈ અને મધ્યપ્રદેશ વચ્ચે રમાઈ રહેલા રણજી ટ્રોફીના ફાઇનલ મેચમાં મધ્યપ્રદેશે મજબૂત પકડ બનાવી લીધી છે.  મુંબઈએ પહેલી ઇનિંગમાં 374 રન કર્યા બાદ મધ્યપ્રદેશ તરફથી યશ દુબે, શુભમ શર્મા અને રજત પાટીદારે સદી ફટકારી હતી અને તેની મદદથી મધ્યપ્રદેશે 536 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. ચોથા દિવસના અંતે મુંબઈએ બીજી ઇનિંગમાં બે વિકેટ ગુમાવીને 113 રન બનાવી લીધા હતા. જો કે હજી પણ મધ્યપ્રદેશથી 49 રન પાછળ છે. 
મધ્યપ્રદેશ તરફથી યશ દુબે અને શુભમ શર્માએ અનુક્રમે 133 અને 116 રન કર્યા બાદ રજત પાટીદાર પણ ઝળક્યો હતો અને 219 બોલમાં 20 ચોગ્ગા સાથે 122 રન કર્યા હતા. આ ઉપરાંત સારાંશ જૈને 97 બોલમાં 57 રનની મહત્ત્વની ઇનિંગ રમી હતી. જેની મદદથી મધ્યપ્રદેશનો સ્કોર 536 રન સુધી પહોંચ્યો હતો. મુંબઈના શેમ્સ મુલાણીએ 5 વિકેટ લીધી હતી જ્યારે તુશાર દેશપાંડેએ ત્રણ અને મોહિત અવસ્થીએ એક વિકેટ લીધી હતી. 
બીજી ઇનિંગમાં મુંબઈ તરફથી પૃથ્વી શોઅ અને હાર્દિક ટામોરેએ મજબૂત શરૂઆત કરી હતી. જો કે બન્ને મોટી ઇનિંગ રમવામાં નિષ્ફળ નિવડયા હતા. પૃથ્વી શો  52 બોલમાં 44 રન કરીને આઉટ થયો હતો. તેણે ઇનિંગમા ચાર ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા જ્યારે હાર્દિકે 32 બોલમાં 25 રન કર્યા હતા. ચોથા દિવસના અંતે અરમાન ઝફર અને સુવેદ પારકર નોટઆઉટ પરત ફર્યા હતા. જેમાં ઝફરે 34 બોલમાં 30 રન અને પારકરે 14 બોલમાં 9 રન કર્યા હતા. મુંબઈની બે વિકેટમાં કુમાર કાર્તિકેય અને ગૌરવ યાદવે એક એક વિકેટ ઝડપી હતી.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer