મહારાષ્ટ્ર સરકારે સિક્યોરિટી હટાવી લીધી હોવાનો શિંદેનો આક્ષેપ, ગૃહપ્રધાને નકાર્યો

અમારા પ્રતિનિધિ તરફથી 
મુંબઈ, તા. 25 : શિવસેનાના બળવાખોર નેતા એકનાથ શિંદેએ શનિવારે એવો આક્ષેપ કર્યો હતો કે મહારાષ્ટ્ર સરકારે મારી અને મારી સાથેના 16 બળવાખોર વિધાનસભ્યોની સલામતી હટાવી દીધી છે. સરકારનું આ પગલું રાજકીય કિન્નાખોરીથી ભરેલું છે. 
જોકે, રાજ્યના ગૃહપ્રધાન દિલિપ વળસે પાટીલે આ આક્ષેપને નકારી કાઢ્યો હતો. 
ગુવહાટીમાં પડાવ નાખીને બેઠેલા એકનાથ શિંદેએ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે અને ગૃહપ્રધાન દિલીપ વળસે પાટીલને સંબોધિત કરેલો પત્ર ટ્વીટ કર્યો હતો. આ પત્રમાં 16 બળવાખોર વિધાનસભ્યોએ સહી કરી છે. 
આ પત્રમાં આ બળવાખોર વિધાનસભ્યોએ કહ્યું છે કે, અમારા પરિવારને કંઈ થશે તો એ માટે ઉદ્ધવ ઠાકરે અને મહાવિકાસ આઘાડી સરકારના નેતાઓ જવાબદાર હશે. 
એકનાથ શિંદેએ તેમની ટ્વીટમાં એવો આક્ષેપ કર્યો હતો કે, રાજકીય કિન્નાખોરીને લીધે 16 વિધાનસભ્યોની સલામતી ઠાકરે અને દિલીપ વળસે પાટીલના કહેવાથી હટાવી લેવામાં આવી છે. આ વિધાનસભ્યોની સલામતી માટે સરકાર જવાબદાર છે. 
જોકે ગૃહપ્રધાન દિલીપ વળસે પાટીલે કહ્યું હતું કે, રાજ્યમાં એકેય વિધાનસભ્યનું સુરક્ષા કવચ હટાવવાનો આદેશ મુખ્ય પ્રધાન કે ગૃહ મંત્રાલયે આપ્યો નથી. ટ્વીટર મારફતે કરવામાં આવતા આક્ષેપો ખોટા અને દુર્ભાવનાયુક્ત છે. 
16 બળવાખોર વિધાનસભ્યોએ તેમના પત્રમાં સલામતી પુન:પ્રસ્થાપિત કરવાની માગણી કરી છે. તેમણે કહ્યું છે કે સલામતી હટાવવા પાછળનો હેતુ અમારા મનોબળને તોડવાનો અને આઘાડી સરકારની માગણીઓને વશ કરાવવાનો છે. અમને ડરાવવા-ધમકાવવા સરકારના ત્રણે પક્ષો તેમના કાર્યકરોને ઉશ્કેરી રહ્યા છે. સંજય રાઉતે તો એવી પણ ધમકી આપી છે કે, જે વિધાનસભ્યોએ બળવો કર્યો એ રાજ્યમાં પાછા કેમ આવે છે એ અમે જોઈશું તથા અને છૂટથી કઈ રીતે હરીફરી શકે એનું પણ અમે ધ્યાન રાખીશું. આ ઉશ્કેરણીને લીધે અમારા બે સાથી વિધાનસભ્યોની અૉફિસમાં શિવસૈનિકો દ્વારા તોડફોડ કરવામાં આવી હતી. સરકારે અમારું સલામતી કવચ હટાવી લીધું એના કલાકો બાદ આ ઘટના બની હતી. 
પત્રમાં જણાવાયું છે કે અમારા પરિવારના સભ્યોને હાનિ પહોંચશે તો મુખ્ય પ્રધાન તથા શરદ પવાર, સંજય રાઉત અને આદિત્ય ઠાકરે જેવા મહાવિકાસ આઘાડીના નેતાઓ જવાબદાર હશે. શિષ્ટાચાર પ્રમાણે અમારા ઘર અને પરિવારને જે સલામતી કવચ મળે છે એ ગેરકાયદેસર 
રીતે કિન્નાખોરી રાખીને હટાવી લેવાયું છે. 
જે બળવાખોર વિધાનસભ્યોએ પત્રમાં સહી કરી છે, એમાં એકનાથ શિંદે (કોપરી-પાંચપાખાડી વિધાનસભા મતદાર સંઘ), ભરત ગોગાવલે (મહાડ), વિશ્વનાથ ભોઈર (કલ્યાણ વેસ્ટ), મહેન્દ્ર થોરવે (કર્જત), શાંતારામ મોરે (ભિવંડી ગ્રામિણ), શ્રીનિવાસ વાંગા (પાલઘર), લત્તા સોનાવણે (ચોપડા), સંજય શિરસાટ (ઔરંગાબાદ વેસ્ટ), જ્ઞાનરાજ ચૌગુલે (ઉમેરગા) યામિની જાધવ (ભાયખલા), શાહાજી પાટીલ (સંગોલા), તાનાજી સાવંત (પરન્દા), શંભુરાજ દેસાઈ (પાટન), મહેશ શિંદે (કોરેગાંવ), પ્રકાશ સુર્વે (માગાથાણે) અને સંજયત રયમુળકર (મેહેકર)નો સમાવેશ છે. 

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer