બળવાખોર જૂથે નવા નામ માટે કાનૂની મંજૂરી લેવી પડશે : કૉંગ્રેસ

મુંબઈ, તા. 25 (પીટીઆઈ) : એકનાથ શિંદેની આગેવાની હેઠળનું બળવાખોર જૂથ ગુવાહાટીમાં ટસનું મસ થતું નથી ત્યારે મહાવિકાસ આઘાડી સરકારના એક ઘટક પક્ષ કૉંગ્રેસે શનિવારે જણાવ્યું હતું કે બંધારણીય મડાગાંઠ પરની કાનૂની લડાઈ ચાલી રહી છે અને તેમાં આઘાડી સરકારની સ્થિતિ મજબૂત છે. બળવાખોર વિધાનસભ્યોની વિરુદ્ધમાં શિવસેનાના કાર્યકર્તાઓ રાજ્યમાં ભારે વિરોધ પ્રદર્શનો અને તોડફોડ કરી રહ્યા છે તે વચ્ચે રાજ્યના પ્રધાન અને કૉંગ્રેસના નેતા અશોક ચવ્હાણે જણાવ્યું હતું કે, રાજ્યમાં કાયદા અને વ્યવસ્થાની પરિસ્થિતિ સારી છે.
તેમણે જણાવ્યું હતું કે, શિવસેનાના કાર્યકર્તાઓ બળવાખોર વિધાનસભ્યોની વિરુદ્ધમાં તેમના ગુસ્સાનું પ્રદર્શન કરી રહ્યા છે. કૉંગ્રેસના નેતા અને મહેસૂલ ખાતાના પ્રધાન બાળાસાહેબ થોરાટે જણાવ્યું હતું કે, કાનૂની રીતે જોઈએ તો એમની એ સરકારની સ્થિતિ મજબૂત છે.
``અમે પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ. હાલ બંધારણીય મડાગાંઠ પર કાનૂની લડત ચાલુ છે, એમ તેમણે વધુમાં જણાવ્યું હતું. કૉંગ્રેસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, એકનાથ શિંદે કેમ્પે બંધારણની કલમ 179 હેઠળ મહારાષ્ટ્રના ડેપ્યુટી સ્પીકરને પદ પરથી હટાવવાના ઠરાવ માટે એક નોટિસ સુપરત કરી છે, પરંતુ નિયમો એમ કહે છે કે, ગવર્નર વિધાનસભાનું સત્ર બોલાવવા સમન્સ પાઠવે ત્યારબાદ જ વિધાનસભામાં કોઈ પણ ઠરાવ રજૂ કરી શકાય. સ્પીકરને હટાવવાની નોટિસ મળે તો તે માટે 14 દિવસનો સમય આપવો પડે. 14 દિવસ બાદ વિધાનસભામાં નોટિસ વાંચવામાં આવે અને ત્યારબાદ સ્પીકરને હટાવવાની પ્રક્રિયા ચાલે છે. હાલ ગવર્નરે સત્ર બોલાવવા સમન્સ પાઠવ્યા નથી એટલે શિંદેનો પત્ર ડેપ્યુટી સ્પીકરને હટાવવાનો ઠરાવ નથી તે પાત્ર એક ઈરાદો છે,'' એમ કૉંગ્રેસના નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer