એકનાથ શિંદેના ગામમાં હૉસ્પિટલ કે શાળા નથી, પરંતુ બે હેલીપેડ છે!

સાતારા, તા. 25 : `ખરી' શિવસેના પોતાની હોવાનો દાવો કરનારા બળવાખોર નેતા એકનાથ શિંદેએ શિવસેનાના ઉદ્ધવ ઠાકરે કૅમ્પનો ગુસ્સો વહોરી લીધો છે, પરંતુ સાતારા જિલ્લાના તેમના વતનના ગામ દરેના રહેવાસીઓ તરફથી તેમને જોરદાર ટેકો સાંપડી રહ્યો છે. આ ગામવાસીઓ એવી આશા રાખે છે કે શિંદે મુખ્ય પ્રધાન બનશે. દરે ગામમાં માત્ર 30 ઘર જ છે અને તે મહાબળેશ્વરથી 70 કિલોમીટર દૂરના પછાત વિસ્તાર કે જ્યાંથી કોયના નદી પસાર થાય છે તેના કિનારે આ ગામ વસેલું છે. આ ગામનાં મોટા ભાગનાં ઘરો બંધ છે. કારણ કે રોજગારી માટે તેના રહેવાસીઓ પુણે કે મુંબઈમાં કામ કરે છે.
છેલ્લાં કેટલાંક વર્ષોથી શિંદેએ આ ગામ તરફ ધ્યાન આપવાનું શરૂ કર્યું હતું. દરે ગામમાં કોઈ શાળા કે હૉસ્પિટલ નથી. જોકે, આ ગામમાં બે હેલીપેડ છે. કારણ કે શિંદે હેલિકૉપ્ટરમાં અહીં આવતા હોય છે. પ્રથમ હેલીપેડ કોયના નદીની નજીક બાંધવામાં આવ્યું છે અને બીજું હેલીપેડ નજીકની પહાડી પર તૈયાર કરવામાં આવ્યું છે, જેનો ટૂંકમાં ઉપયોગ કરી શકાશે, એમ એકનાથ શિંદેના પિતરાઈ અશોક શિંદેએ જણાવ્યું હતું.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer