થાણે, તા. 25 (પીટીઆઇ) : મહારાષ્ટ્રમાં ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ વચ્ચે કાયદા વ્યવસ્થા બગડવાના ડરથી, થાણે જિલ્લા કલેકટર રાજેશ નાર્વેકરે શનિવારે થાણે જિલ્લામાં નિષેધાજ્ઞા જારી કરી છે. શિવસેનાના મોટાભાગના વિધાનસભ્યો સાથે ગુવાહાટી ગયેલા એકનાથ શિંદેના ગઢ થાણેમાં 30મી જૂન સુધી નિષેધાજ્ઞા લાગુ રહેશે.
કલેકટરના આદેશ અનુસાર લાકડી, હથિયાર કે કોઇપણ ઘાતક શત્રોનો ઉપયોગ કરવા ઉપર મનાઇ છે. પાંચથી વધુ લોકોને ભેગા થવાની પરવાનગી નથી. આદેશમાં જણાવાયું છે કે કોઇપણ પ્રકારની નારેબાજી કરવી, ગીત ગાવા, સંગીત વગાડવા, ભાષણ કે ઉપદેશ આપવા ઉપર પણ પ્રતિબંધ મૂકાયો છે. આવો આદેશ થાણે પોલીસ કમિશનરે પણ જારી કર્યો છે.