મુંબઈ, તા. 25 (પીટીઆઈ) : મહારાષ્ટ્રના વિધાનસભાના સેક્રેટરીએટ દ્વારા શિવસેનાના બળવાખોર નેતા એકનાથ શિંદે સહિત 16 બળવાખોર વિધાનસભ્યોને સમન્સ મોકલવામાં આવ્યા છે. તેઓને 27મી જૂને સાંજ સુધીમાં લેખિત ઉત્તર આપવાનું કહેવામાં આવ્યું છે.
મહારાષ્ટ્ર વિધાનગૃહોના પ્રિન્સિપાલ સેક્રેટરી રાજેન્દ્ર ભાગવતે શિવસેનાના મુખ્ય વ્હીપ સુનીલ પ્રભુ દ્વારા નામ આપવામાં આવ્યા હતા તે 16 જણાંને સમન્સ પાઠવ્યા છે.
રાજેન્દ્ર ભાગવતે મોકલેલા પત્રમાં જણાવવામાં આવ્યું છે કે તમે સમન્સ સામે બચાવમાં લેખિત જવાબ આવશ્યક દસ્તાવેજો સાથે 27મી જૂને સાંજે 5.30 વાગ્યા સુધીમાં આપવો જરૂરી છે. જો આ સમયગાળામાં તમે ઉત્તર નહીં આપો તો એમ સમજી લેવાશે કે તમારે કંઈ કહેવાનું નથી. ત્યાર પછી સુનિલ પ્રભુએ નોંધાવેલી ફરિયાદ અંગે આ કચેરી દ્વારા આવશ્યક પગલાં ભરવામાં આવશે, એમ પત્રમાં ઉમેરવામાં આવ્યું છે.
અહીં ઉલ્લેખનીય છે કે શિવસેનાના મુખ્ય વ્હીપ સુનિલ પ્રભુએ ગત ગુરુવારે સાંજે પક્ષની બેઠકમાં હાજર રહેવાનું બધા વિધાનસભ્યોને જણાવ્યું હતું. બળવાખોર વિધાનસભ્યો ગુવાહાટીમાં હોવાથી હાજર રહી શક્યા નહોતા. તેથી તેઓ વિરુદ્ધ કાર્યવાહી કરવાની વિનંતી પ્રભુએ વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર નરહરિ જીરવલને કરી હતી.