સત્તા પરિવર્તન સાથે શિવસેનાને આંચકો આપવાનો ભાજપનો વ્યૂહ?

નવી દિલ્હી, તા. 25 (પીટીઆઈ) : મહારાષ્ટ્રમાં ભાજપ સરકાર રચવાનો દાવો કરવામાં ઉતાવળ કરવા માંગતો નથી. શિવસેનાની વિધાનસભા પાંખમાં બળવાખોર નેતા એકનાથ શિંદે દ્વારા જે ભંગાણ પાડવામાં આવ્યું છે તે જિલ્લા, મહાનગરો અને નાના શહેરો સુધી વિસ્તરે તેની રાહ જોવા માગે છે, એવો દાવો ભાજપના નેતા દ્વારા કરવામાં આવ્યો હતો.
ભાજપના નેતાએ પોતાની ઓળખ ગુપ્ત રાખવાની શરતે જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રમાં શરૂ થયેલો સંઘર્ષ માત્ર સત્તા પરિવર્તન માટે નથી. તે શિવસેનાના સમર્થકોને ફરી હિન્દુત્વ ભણી વાળવા માંગે છે તે દિશામાં પ્રથમ પગલારૂપે એકનાથ શિંદેની આગેવાની હેઠળના જૂથમાં બળવાખોરોની સંખ્યા વધે અને તે જૂથ મજબૂત બનાવવામાં આવી રહ્યું છે. શિવસેનાએ રાષ્ટ્રવાદી કૉંગ્રેસના અધ્યક્ષ શરદ પવાર પહેલને પગલે મહાવિકાસ આઘાડીમાં જોડાવવાનો નિર્ણય લીધો ત્યારથી તેમાં ચણભણ શરૂ થઈ હતી. વિધાન પરિષદની ચૂંટણીની મતગણતરી ટાણે 20મી જૂને તે સપાટી ઉપર આવી હતી. મતગણતરી સમયે ભાજપ અને `આઘાડી'ના નેતાઓએ સામસામા વાંધાવચકા કાઢ્યાં ત્યારે શિવસેનાના નેતાઓને પક્ષમાં સમુસૂતર નહીં હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. 
રાજ્યની ગુપ્તચર યંત્રણાને આ બળવાની ગંધ સુદ્ધાં ન આવી. એ અંગે પૂછતા ભાજપના નેતાએ જણાવ્યું હતું કે, ઉદ્ધવ ઠાકરેએ મુખ્ય પ્રધાન માટેની દૈનિક ગુપ્તચર યંત્રણાની વિગતો મેળવવા વરિષ્ઠ પ્રધાન અને વિશ્વાસુ વ્યક્તિને નિયુક્ત કર્યાં હતાં.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer