પાલિકાએ જાહેર કરી મતદાર યાદી

મુંબઈ, તા. 25 : પાલિકાની ચૂંટણી ક્યારે યોજાશે એ વિશેનું  રહસ્ય હજી અકબંધ છે, પરંતુ પાલિકા પ્રશાસન ચૂંટણી માટે સજ્જ થઈ રહ્યું છે. પાલિકાએ 23 જૂને  પ્રભાગ સ્તરે મતદાર યાદી જાહેર કરી દીધી છે. લોકો પહેલી જુલાઈ સુધી એ વિશે વાંધા અને સૂચનો મોકલાવી શકે છે અને મતદાર યાદીમાં સુધારો કરાવી શકે છે. પ્રભાગ સ્તરે અંતિમ મતદાર યાદી નવમી જુલાઈએ જાહેર થશે. 2017ની સરખામણીમાં 2022માં મતદારોની સંખ્યામાં 7,12,925નો વધારો થયો છે. પાલિકાના એડિશનલ કમિશનર સંજીવકુમારે જણાવ્યું હતું કે વર્ષ 2017ની પાલિકાની ચૂંટણીમાં મતદારોની સંખ્યા 91,64,125 હતી. જ્યારે વર્ષ 2022ની મતદાર યાદીમાં મતદારોની સંખ્યા 98,77,050 થઈ છે. પાલિકાની ચૂંટણીમાં આ વખતે 53,54,916 પુરુષ અને 45,21,251 મહિલા મતદારો ભાગ લેશે. આ યાદીમાં 883 તૃતીયપંથી પણ સામેલ છે.
મતદારોની યાદી પાલિકાની વેબસાઈટ વાાિંાિંત://ાજ્ઞાિફિંહ.ળભલળ.લજ્ઞદ.શક્ષ  પર અને અસેસમેન્ટ ઍન્ડ કલેક્શન ડિપાર્ટમેન્ટના ચૂંટણી વિભાગ દ્વારા બહાર પાડવામાં આવી છે. સંજીવકુમારે જણાવ્યું હતું કે, લોકો વાંધા અને સૂચનો હેઠળ મતદાર યાદીના વિભાજન વખતે નામના ટાઈપિંગમાં ભૂલથી પ્રભાગ બદલાયો હોય તો સાચા પ્રભાગમાં નામ સામેલ કરવામાં આવશે અથવા વિધાનસભાની મતદાર યાદીમાં નામ હોવા છતાં પ્રભાગની યાદીમાં નામ ન હોય તો નામ સામેલ કરવામાં આવશે. રાજ્ય ચૂંટણી પંચના આદેશથી પાલિકાએ પ્રભાગની પરિસીમા નક્કી કરી હતી અને 31મી મેએ પ્રભાગ આરક્ષણ લૉટરી કાઢી હતી.
મતદાર યાદીમાં સુધારા માટે ક્યાં કરવો સંપર્ક?
યાદીમાં સુધારો કરવા માટે લોકો પાલિકાની સંબંધિત વૉર્ડ અૉફિસ અને અસેસમેન્ટ ઍન્ડ કલેક્શન ડિપાર્ટમેન્ટના ચૂંટણી વિભાગનો સંપર્ક કરી શકે છે. એમણે સ્પષ્ટ કહ્યું હતું કે, યાદીમાં ન તો નવું નામ સામેલ કરવામાં આવશે અને ન તો એમાં ફેરફાર કરવામાં આવશે. પાલિકા ચૂંટણી કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરાયેલી અને 2022ની 31મી મેએ અસ્તિત્વમાં આવેલી વિધાનસભા મતદાર યાદીના આધારે જ થશે.
બૂથ સંખ્યા વધારવામાં આવશે
આ વખતે પાલિકા ચૂંટણી વખતે મતદાન કેન્દ્રો પર ભીડ ન થાય એ માટે બૂથની સંખ્યા વધારવામાં આવશે. વર્ષ 2017ની ચૂંટણીમાં 8500 મતદાન કેન્દ્ર હતા. આ વખતે બૂથની સંખ્યા વધારીને 11,000 કરવાની શક્યતા છે.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer