મુંબઈ યુનિવર્સિટીમાં હવે મળશે હિન્દુ ધર્મનું શિક્ષણ

મુંબઈ, તા. 25 : મુંબઈ યુનિવર્સિટીમાં હવે આધુનિક શિક્ષણ સાથે હિન્દુ ધર્મનો અભ્યાસ પણ કરાવવામાં આવશે. હિન્દુ ધર્મ વિશે બે વર્ષનો વિશેષ કોર્સ તૈયાર કરવામાં આવ્યો છે. કોઈપણ શાખામાં ડિગ્રી પ્રાપ્ત કરનાર વિદ્યાર્થી આ કોર્સમાં પ્રવેશ લઈ શકે છે. આ `માસ્ટર અૉફ આર્ટ ઈન હિન્દુ સ્ટડીઝ' કોર્સ માટે 60 સીટની વ્યવસ્થા કરવામાં આવી છે. વિશ્વના સૌથી પ્રાચીન હિન્દુ ધર્મની વિસ્તૃત માહિતી ઉપલબ્ધ કરાવવા માટે મુંબઈ યુનિવર્સિટી દ્વારા સેન્ટર ફૉર હિન્દુ સ્ટડીઝ (હિન્દુ અભ્યાસ કેન્દ્ર)ની સ્થાપના કરવામાં આવી છે. યુનિવર્સિટીએ વર્ષ 2022-23 માટે એની એડમિશન પ્રક્રિયાની શરૂઆત કરી દીધી છે. વિદ્યાર્થીઓ યુનિવર્સિટીની વેબસાઈટ uom.admissions.mu.ac.in  દ્વારા અૉનલાઈન અરજી કરી શકે છે અને કોર્સની વિસ્તૃત માહિતી મેળવી શકે છે. 
યુનિવર્સિટી દ્વારા જણાવ્યા મુજબ અભ્યાસ દરમિયાન વિદ્યાર્થીઓને હિન્દુ ધર્મના મુખ્ય તત્ત્વોથી માહિતગાર કરાશે. હિન્દુ ધર્મ ફક્ત કર્મકાંડ પૂરતો સીમિત નથી. આ ધર્મ આખા વિશ્વને એક પરિવાર જેવો સમજનાર ધર્મ છે. વિશ્વશાંતિ, ભાઈચારો, શ્રદ્ધા, કલ્પના અને વિભિન્ન વિચાર એના મુખ્ય વિચારોમાંથી એક છે. આ તમામ બાબતોનું ધ્યાન રાખીને અભ્યાસક્રમ તૈયાર કરાયો છે. અભ્યાસક્રમમાં તત્વજ્ઞાન, જ્ઞાનશાસ્ર અને યુક્તિવાદ સહિત અન્ય હિન્દુ ધર્મના વિવિધ પાસાંનો સમાવેશ કરાયો છે. 

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer