ઈસ્લામાબાદ, તા. 25 : મુંબઈ 26/11 આતંકી હુમલાનો મુખ્ય હેન્ડલર-લશ્કરે તોઇબાનો મોસ્ટ વોન્ટેડ આતંકી સાજિદ મીરને પાકિસ્તાનમાં ટેરર ફન્ડિંગના આરોપમાં 15 વર્ષની સજા ફટકારવામાં આવી છે. ચાલુ મહિનાની શરૂઆતમાં તેના પર આરોપ સિદ્ધ થતાં કોર્ટે સજા જાહેર કરી હતી. જો કે પાકિસ્તાનની પોલીસે મીરના આ મામલાને દબાવવા તેને ક્યારે ક્યાંથી પકડયો, કેવી રીતે ખટલો ચલાવાયો ? જેવી વિગતો જાહેર કરી ન હતી. પાકિસ્તાન અત્યાર સુધી સાજિદ મીર પોતાના દેશમાં હોવાની વાતથી ઈનકાર કરતું આવ્યું છે અને તેનું મૃત્યુ થઈ ચૂક્યાનો પણ દાવો કર્યો હતો હવે તેને સજા થતાં પાકિસ્તાને અગાઉ ચલાવેલા જૂઠાણાનો પર્દાફાશ થયો છે. તે મુંબઈના વર્ષ 2008ના ભીષણ આતંકી હુમલાનો માસ્ટર માઇન્ડ છે.