યુગ બદલાય પણ આસ્થાનું શિખર શાશ્વત રહે છે : વડા પ્રધાન

યુગ બદલાય પણ આસ્થાનું શિખર શાશ્વત રહે છે : વડા પ્રધાન
જનનીના આશીર્વાદ લઈ મોદી જગત જનનીના દરબારમાં
વડોદરા, તા. 18: ગુપ્ત નવરાત્રિ પહેલા પાવાગઢ શક્તિપીઠ દિવ્યરૂપે આપણી સામે તૈયાર છે. સદીઓ બદલાય છે, યુગ બદલાય છે પણ આસ્થાનું શિખર શાશ્વત રહે છે. હું મારા પુણ્ય દેશની માતા અને બહેનો માટે સમર્પિત કરતો રહું અને દેશની સેવા કરતો રહું એ મેં માતાજી પાસે માગ્યું છે', એમ વડાપ્રધાન મોદીએ આજે પાવાગઢ શક્તિપીઠ સ્થિત મહાકાળી માતાના દર્શન કરીને જણાવ્યું હતું. શક્તિપીઠનાં નવનિર્મિત શિખર પર વડાપ્રધાન મોદીએ ધ્વજારોહણ કર્યું એ સાથે જ 500 વર્ષમાં પહેલીવાર આ મંદિર પર ધ્વજા લહેરાઈ હતી.
માતાજીની 51 શક્તિપીઠ પૈકીની એક શક્તિપીઠ પાવાગઢનાં મહાકાળી માતાનાં મંદિરનું સુવર્ણજડિત ગર્ભગૃહ ખુલ્લું મુકાયું હતું. શિખર પર 500 વર્ષ બાદ પહેલીવખત ધ્વજારોહણ થતા માતાજીના લાખો ભક્તો અને ગુજરાત માટે ઐતિહાસિક ઘડી સર્જાઈ હતી. પાવાગઢ સાથે જોડાયેલા ઈતિહાસ મુજબ 500 વર્ષ અગાઉ પાવાગઢ પર મોહંમદ બેગડાએ હુમલો કરીને પાવાગઢ જીતી લીધું હતું અને પાવાગઢનાં મંદિરનાં શિખરને ખંડિત કરી મંદિર પર દરગાહ બનાવી દેવામાં આવી હતી. પાવાગઢ માતાજીનાં મંદિરનાં શિખર પર 538 વર્ષથી ધ્વજા ફરકાવાઈ ન હતી. 
દરમિયાન વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે પાવાગઢ અને પંચમહાલની તપસ્યા આજે સિદ્ધ થઈ છે. લગ્ન થવાના હોય ત્યારે ભક્ત લગ્નની પત્રિકા માતાના ચરણમાં મૂકે છે. તેમને આ પત્રિકા સંભળાવવામાં આવે છે. ધ્વજારોહણ એ ભક્તો અને શક્તિ ઉપાસકો માટે આનાથી મોટો કોઈ ઉપહાર ન હોઈ શકે. મંદિરનો વિકાસ થયો છે અને શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે વ્યવસ્થા કરવામાં આવી છે. આગામી ગુપ્ત નવરાત્રિ પહેલા આ પુન: વિકાસ એ સંકેત છે કે શક્તિ ક્યારેય મંદ કે અદૃશ્ય થતી નથી. 
 મોદીએ અયોધ્યામાં રામ મંદિર, કાશી, કેદાર ધામની યાદ અપાવવા સાથે કહ્યું કે ભારતનું આધ્યાત્મિક અને સાંસ્કૃતિક ગૌરવ પુન: સ્થાપિત થઈ રહ્યું  છે. નવું ભારત આધુનિક આકાંક્ષાઓ સાથે પોતાની પ્રાચીન ઓળખ પણ જીવી રહ્યું છે. એ ધરોહર પર ગૌરવનો અનુભવ કરી રહ્યું છે. 
વરસાદના છાંટણા વચ્ચે  વડા પ્રધાન પગથિયાં ચડીને દર્શને પહોંચ્યા
વડાપ્રધાન મોદી પાવાગઢ વડાતળાવ ખાતે બનાવાયેલા હેલીપેડ ઉપર ઉતરીને સીધા જ પાવાગઢ મંદિર પરિસર જવા રવાના થયા હતા. તેઓ રોપવે દ્વારા નિયત સ્થાન સુધી પહોંચ્યા હતા, તેવા સમયે ધુમ્મસભર્યાં વાતાવરણની સાથે વરસાદના અમી છાંટણા પણ પડી રહ્યા હતા. તેમ છતાં ઊર્જાવાન વડાપ્રધાન મોદી યુવાનોને પણ શરમાવે તેવી સ્ફૂર્તિ અને ગતિથી મંદિરનાં પગથિયાઓ ચડીને માતાજીના દર્શને શ્રદ્ધાપૂર્વક પહોંચ્યા હતા અને મહાકાલી માતાના પૂજન-અર્ચન- આરતી કર્યા હતા.
શતાયુ હિરાબાની ચરણ વંદના
વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની માતા હીરાબાનો 100 મા જન્મ દિવસ પ્રસંગે તેમના આશીર્વાદ લેવા માટે ગાંધીનગર રાયસણ સ્થિત તેમના ભાઈ પંકજભાઈ મોદીનાં ઘરે સવારે 6-30 કલાકે  પહોંચ્યા હતા. જ્યાં તેમણે અડધો કલાકથી પણ વધારે સમય ગાળ્યો હતો અને દિવસની શુભ શરૂઆત કરી હતી. માતા હીરાબાને સ્વસ્થ તેમજ દીર્ઘાયુ જીવનની શુભેચ્છા પાઠવી હતી. વડાપ્રધાને હીરાબાના ચરણમાં પુત્ર સહજ ભાવે બેસીને માતાના ચરણ પખાળ્યાં હતા તેમજ તેમના આશીર્વાદ પણ મેળવ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી માતા હીરાબાને મળવા ખાસ શાલ ભેટ લઈને ગયા હતા.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer