અગ્નિપથનો વિરોધ યથાવત્

અગ્નિપથનો વિરોધ યથાવત્
બિહારમાં આજે ટ્રેનો સંપૂર્ણ બંધ
નવી દિલ્હી, તા.18 : સૈન્યમાં ભરતીની કેન્દ્રની નવી અગ્નિપથ યોજનાનો આજે ચોથા દિવસે પણ દેશવ્યાપી વિરોધ યથાવત રહ્યો છે. અનેક રાજ્યોમાં યુવાઓ રસ્તા પર છે અને ટ્રેનોને નિસાન બનાવવા સાથે હાઈ-વે જામ કરી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. દરમિયાન આજથી મામલો રાજકીય રંગે રંગાયો છે અને સત્તાપક્ષ તથા વિપક્ષી દળોના નેતાઓની વ્યાપક પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. સત્તાપક્ષ આ યોજનાને યુવાઓ માટે હિતકારી તો વિપક્ષે તે યુવાઓ માટે નુકસાનકારક ગણાવી હતી. દિલ્હીમાં જંતરમંતર ખાતે કોંગ્રેસે વિરોધ પ્રદર્શન યોજ્યું હતું.
અગ્નિપથના વિરોધની આગ બિહારમાં સૌથી વધુ ભભૂકી હોવાથી અને ટ્રેનોને નિસાન બનાવવામાં આવતાં રેલવેએ એક મોટા નિર્ણયમાં રવિવારે રાજયમાં સવારે 4 થી રાત્રે 8 સુધી કોઈ ટ્રેન ન દોડાવવા નિર્ણય લીધો છે. અગ્નિપથ હિંસાને પગલે તા.19ને રવિવારે બિહારમાં એક પણ ટ્રેન નહીં ચલાવાય. 
અગ્નિપથ યોજનાના વિરોધમાં બિહારમાં સૌથી વધારે હિંસા થઈ છે. અહીં રોષે ભરાયેલા લોકોએ ડઝનો ટ્રેનોમાં આગ લગાડી દીધી અને અમુક શહેરો અને કસ્બામાં જાહેર મિલકતને નુકસાન પહોંચાડયું છે. રેલવે અધિકારીઓના જણાવ્યા અનુસાર રેલવે સંપત્તિઓની તોડફોડથી માત્ર બિહારમાં 200 કરોડ રૂપિયાથી વધારેનુ નુકસાન થયુ છે. 
પૂર્વ મધ્ય રેલવેએ હિંસક પ્રદર્શનના કારણે ટ્રેનના પરિચાલનમાં અસ્થાયી પરિવર્તન કર્યુ છે. રેલવેએ જણાવ્યુ કે પ્રદર્શનના કારણે મુસાફરની સુરક્ષાને ધ્યાનમાં રાખતા બીજા ક્ષેત્રીય ટ્રેનોમાંથી ખુલીને પૂર્વ મધ્ય રેલમાંથી પસાર થનારી ટ્રેનોના પરિચાલનમાં અસ્થાયી પરિવર્તન કરાયુ છે. 
રેલવેનું કહેવું છે કે મુસાફરો અને રેલવે સંપત્તિઓની સુરક્ષાને ધ્યાનમાં રાખતા આ નિર્ણય લેવાયો છે કે તારીખ 18 જૂન 2022એ 8 વાગ્યાથી 19 જૂન 2022એ 4 વાગ્યા સુધી તથા પુન: 19 જૂન 2022 એ 8 વાગ્યાથી 20 જૂન 2022એ 8 વાગ્યા સુધી જ પૂર્વ મધ્ય રેલથી પસાર થનારી ટ્રેનોનુ પરિચાલન કરવામાં આવશે.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer