બોરીવલીમાં ફ્લાયઓવરનું લોકાર્પણ
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 18 : બોરીવલી (પશ્ચિમ)માં કોરાકેન્દ્ર પાસે લિન્ક રોડથી વેસ્ટર્ન એક્સ્પ્રેસ વે સુધી જવા માટે ફ્લાયઓવર બાંધવાના શ્રેય માટે ભાજપ અને શિવસેનાના કાર્યકરોએ આજે જોરદાર નારાબાજી કરી હતી. તેથી પર્યાવરણ પ્રધાન આદિત્ય ઠાકરે પુલનું ઉદ્ઘાટન કર્યા બાદ ભાષણ કર્યા વિના ચાલ્યા ગયા હતા.
આ ફ્લાયઓવર બ્રિજના લોકાર્પણ માટે મહારાષ્ટ્રના પર્યાવરણ પ્રધાન આદિત્ય ઠાકરે આજે સાંજે બોરીવલી આવ્યા હતા. તે સમયે ઉદ્ઘાટન પહેલાં પુલની નીચે ભાજપ દ્વારા ઢોલ અને ત્રાસા વગાડીને જોરદાર નારાબાજી કરી હતી.
ભાજપના કાર્યકરોએ ભાજપ જિન્દાબાદનાં સૂત્રો પોકાર્યાં હતાં. શિવસૈનિકોએ પણ ઢોલ અને ત્રાસા વગાડીને `િશવસેના જિન્દાબાદ'ના નારા પોકાર્યા હતા. આદિત્ય ઠાકરેને સુધ્ધાં લોકાર્પણ કરવા માટે ભીડમાંથી માર્ગ કાઢીને આગળ વધવાની ફરજ પડી હતી. આ સ્થળે જડબેસલાક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હોવાથી પરિસ્થિતિ વધુ વણસી નહોતી. અહીં ઉલ્લેખનીય છે કે ભાજપના સ્થાનિક સાંસદ ગોપાળ શેટ્ટીએ મે માસના પ્રથમ સપ્તાહમાં માગણી કરી હતી કે આ પુલને 15મી મે સુધીમાં મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેના હસ્તે ખુલ્લો મૂકવામાં આવે તે કાર્યક્રમમાં ભાજપના આગેવાન અને વિધાનસભાના વિપક્ષી નેતા દેવેન્દ્ર ફડણવીસને પણ હાજર રહેવાનું આમંત્રણ આપવામાં આવે.
ગોપાળ શેટ્ટીએ આજે પત્રકારોને જણાવ્યું હતું કે બધી જગ્યાએ મુખ્ય પ્રધાન ઠાકરે અને પર્યાવરણ પ્રધાન આદિત્ય ઠાકરેની તસવીરો મૂકવામાં આવી છે. અમે ઉદ્ધવ ઠાકરે અને દેવેન્દ્ર ફડણવીસની તસવીરો લગાડવાનું કહ્યું હતું આમ છતાં તેમણે અમારી વિનંતીનું પાલન કર્યું નથી. આ બ્રિજના કામ માટે અમે પણ પ્રયત્નો કર્યા હતા. બે પક્ષ છે તેથી શ્રેયવાદ માટે પણ ખેંચતાણ થવાની જ છે. આ પુલ બોરીવલીવાસીઓનાં નાણાંમાંથી બનાવવામાં આવ્યો છે તેથી અમે ઉદ્ઘાટન કાર્યક્રમમાં ફડણવીસને આમંત્રણ આપવાની વિનંતી કરી હતી. આદિત્ય ઠાકરેએ પુલનું લોકાર્પણ કર્યા પછી ભાષણ વિના ચાલ્યા ગયા એ બાબત એક રીતે ભાજપનું `સન્માન' જ છે એમ ગોપાળ શેટ્ટીએ ઉમેર્યું હતું.
ભાજપના કાર્યકરો પક્ષનો ઝંડો લહેરાવી રહ્યા હતા ત્યારે શિવસૈનિકોએ તે આંચકી લેતા તંગદિલી થઈ હતી, પરંતુ પોલીસના કારણે મામલો વધુ બીચક્યો નહોતો.
પુલના શ્રેય માટે ભાજપ અને શિવસેના કાર્યકરો વચ્ચે નારાબાજી થતાં આદિત્ય ઠાકરેએ ભાષણ ન કર્યું
