ટેરિફ વધતાં 75 લાખ સેલફોન વપરાશકારોએ જોડાણો કપાવ્યાં

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 18 : મોબાઇલ ટેરિફ વધારવામાં આવતાં મે મહિનામાં 75 લાખ મોબાઇલ ફોનધારકોએ તેમનાં જોડાણો ત્યજી દીધાં હતાં. 10 મહિનામાં પ્રથમવાર એવું બન્યું છે કે સક્રિય સબક્રાઇબર બેઝ ઘટયો છે.
સમગ્ર સબક્રાઇબર બેઝ છેલ્લા કેટલાક મહિનાથી ઘટી રહ્યો છે ત્યારે મોટા ભાગનાં જોડાણો અનેક સીમ કાર્ડ વાપરતા કે અસક્રિય સબક્રાઇબરો દ્વારા કાપવામાં આવ્યાં છે. બીજી તરફ સક્રિય સબક્રાઇબરો 90 દિવસમાં ઓછામાં ઓછો એક વાર રિચાર્જ કરાવે છે.
નાણાંની તંગી અનુભવી રહેલા વોડાફોન, આઈડિયા, રિલાયન્સ જિઓ અને ભારતી ઍરટેલ જેવા અૉપરેટરોએ નવેમ્બર 2021ના અંતમાં ટેરિફમાં 20થી 25 ટકાનો વધારો કર્યો હતો.
વિશ્લેષકો એવું સૂચવી રહ્યા છે કે અૉપરેટરો હજી બીજા વધારાની તૈયારી કરી રહ્યા છે ત્યારે વધુને વધુ સબક્રાઇબરો તેમનાં જોડાણો કપાવશે. ટેલિકૉમ અૉપરેટરો સબક્રાઇબરો ગુમાવવાથી ચિંતિત નથી કારણ કે તેમનું ધ્યાન આવક વધારવા પર કેન્દ્રિત છે.
હવે જ્યારે 5-જીના ભણકારા વાગી રહ્યા છે ત્યારે ટેલિકૉમ કંપનીઓને મોટો ખર્ચ કરવો પડશે અને તેને કારણે મોબાઇલ ટેરિફમાં વધારો જરૂરી બની રહેશે.
ટેલિકૉમ ક્ષેત્રના એક અગ્રણી પીયૂષ વૈશે જણાવ્યું હતું કે નાણાકીય રીતે ટકી રહેવા ટેલિકૉમ અૉપરેટરોએ આવતા વર્ષે ટેરિફમાં 15થી 20 ટકાનો વધારો કરવો પડશે.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer