`બેસ્ટ''ના 3000માંથી 350 બસસ્ટોપની કાયાપલટનું કામ શરૂ

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 18 : આગામી છથી આઠ મહિનામાં `બેસ્ટ' ઉપક્રમના 3000થી વધુ બસસ્ટોપની કાયાપલટ કરવામાં આવશે.  સામાન્ય રીતે બસસ્ટોપની જગ્યાએ અતિક્રમણ અને અસામાજિક તત્વોએ પણ અડ્ડો જમાવેલો હોય છે.  ઘણા બસસ્ટોપ તો અત્યંત ખરાબ સ્થિતિમાં હોય છે. `બેસ્ટ'ના મુંબઈમાંના આ બસસ્ટોપને હવે સ્વચ્છ, હરિત અને સૌર ઊર્જા નિર્માણ કરનારા સ્ટોપ, એવી નવી ઓળખ મળવાની છે. વર્તમાનમાં વિવિધ જગ્યાના 350 બસસ્ટોપનું વિકાસકામ હાથ ધરવામાં આવ્યું છે. 
ઉદ્યોગપતિ આનંદ મહેન્દ્રાએ તાજેતરમાં મહાલક્ષ્મી રેસકોર્સ પાસેના એક બસસ્ટોપની ટ્વિટર પર પ્રશંસા કરી હતી. 
ઓપન જિમ અને હરિયાળી છત ધરાવતા આ બસસ્ટોપ ખૂબ જ સુંદર છે એવું તેમણે ટ્વિટર પર જણાવ્યું હતું. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી આ બસસ્ટોપની તસવીરો મુંબઈગરાને પસંદ પડી છે. 
રિનોવેશન પ્રકલ્પમાં પ્રથમ તબક્કામાં 350 બસસ્ટોપની કાયાપલટ કરવામાં આવી રહી છે. એ માટેનો ખર્ચ પર્યટન અને પર્યાવરણપ્રધાન આદિત્ય ઠાકરેના જિલ્લા નિયોજન અને વિકાસ સમિતિના ભંડોળમાંથી કરવામાં આવી રહ્યો છે. 
વધુ 1000 બસસ્ટોપનું કામ પણ વહેલી તકે હાથ ધરવામાં આવશે. `બેસ્ટ' ઉપક્રમે છથી આઠ મહિનામાં તમામ બસસ્ટોપ પર્યાવરણપૂરક અને આકર્ષક કરવાનું લક્ષ્ય રાખ્યું છે. હરિત, સૌરઊર્જા નિર્માણ કરનારા અને સાદા, એમ ત્રણ પ્રકારે આ સ્ટોપ વિકસિત કરવામાં આવશે. 
નવનિર્મિત બસસ્ટોપ એલઈડી લાઈટ, કાચની છત અને સારી બેઠક વ્યવસ્થાથી સજ્જ હશે. કેટલાક બસસ્ટોપ પર બસની વર્તમાન સ્થિતિ દર્શાવતી એલઈડી ક્રિન પણ બેસાડવામાં આવશે.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer