મુંબઈ, તા. 18 (પીટીઆઈ) : દિલ્હી એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ (ઈડી)એ મહારાષ્ટ્રની શૈક્ષણિક સંસ્થાના ભૂતપૂર્વ ખજાનચીની મની લૉન્ડરિંગ ઍકટ હેઠળ ધરપકડ કરી છે. એમબીબીએસના અભ્યાસક્રમ માટે પાત્રતા નહીં ધરાવતી કૉલેજમાં મેડિકલ વિદ્યાર્થીને ઍડમિશનની લાલચ આપી તેને ફસાવવાનો આરોપ ઈડીએ મૂક્યો છે.
કોલ્હાપુરસ્થિત શ્રી છત્રપતિ શિવાજી એજ્યુકેશન સોસાયટીના અપ્પાસાહેબ રામચંદ્ર દેશમુખની આ કેસ સંદર્ભે ધરપકડ કરવામાં આવી છે. દેશમુખને 24 જૂન સુધી ઈડીની કસ્ટડીમાં મોકલવાનો આદેશ વિશેષ અદાલતે આપ્યો છે.
આ ચૅરિટેબલ શૈક્ષણિક સંસ્થાના પૂર્વ પ્રમુખ અને આરોપીના ભાઈની પણ આ કેસ સંદર્ભે ગયા મે માસમાં ધરપકડ કરવામાં આવી હતી અને તે અત્યારે અદાલતી કસ્ટડીમાં છે. આરોપી અપ્પાસાહેબ દેશમુખ આ એજ્યુકેશન સોસાયટીના ખજાનચીપદે વર્ષ 2011થી 2016 દરમિયાન હતા.
દેશમુખે તેના ભાઈ અને અન્યો સાથે મળીને 350 કરતાં વધારે ઉમેદવારો પાસેથી એમબીબીએસમાં ઍડમિશન અપાવવાના બહાને આશરે રૂા. 29 કરોડ છેતરપિંડી વડે મેળવ્યા હતા, પરંતુ તેમને ઍડમિશન આપ્યા નહોતા.
ઇડીના જણાવ્યા મુજબ એકઠા કરાયેલાં નાણાંનો સ્રોત છુપાવવા માટે નાણાં રોકડ સ્વરૂપે લેવામાં આવ્યા હતા અને અપ્પાસાહેબ રામચંદ્ર દેશમુખ અને તેમના પરિવારના સભ્યોના બૅન્ક એકાઉન્ટસમાં ભંડોળ જમા કરવામાં આવ્યું હોવાનું ઈડીએ જણાવ્યું છે.
ઇન્સ્ટિટયૂટ અૉફ મેડિકલ સાયન્સ ઍન્ડ રિસર્ચ માયાણી (શ્રી છત્રપતિ શિવાજી એજ્યુકેશન સોસાયટીની) કૉલેજમાં એમબીબીએસના અભ્યાસક્રમ ચલાવવામાં આવ્યો હોવાનું દર્શાવી ઉમેદવારોને ફસાવવામાં આવ્યા હોવાની ફરિયાદ સૌથી પહેલા સાતારા જિલ્લાના વાડુજ પોલીસ સ્ટેશનમાં મની લૉન્ડરિંગ ઍકટ હેઠળ નોંધાઈ હતી.
આ સોસાયટી ટ્રસ્ટને શૈક્ષણિક વર્ષ 2012-13 અને 2013-14 માટે પ્રતિ વર્ષ 100 બેઠક માટે મેડિકલ કૉલેજ ચલાવવાની પરવાનગી અપાઈ હતી, પરંતુ વર્ષ 2014માં શૈક્ષણિક વર્ષ 2014-15 માટે મેડિકલ ઍડમિશનની પરવાનગી નિયામકે નકારી કાઢી હતી.