અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા.18 : સતત બે વર્ષથી શાળાથી દૂર રહેલા વિદ્યાર્થીઓને શાળાના પહેલા દિવસે વિશેષ અનુભવ આપવા બૃહદમુંબઈ વૃત્તપત્ર વિક્રેતા સંઘે નાનો પ્રયોગ કર્યો હતો. 15મી જૂન બુધવારથી શાળાનું નવું શૈક્ષણિક વર્ષ શરૂ થયું ત્યારે લોઅર પરેલસ્થિત પીઇએસ મહારાષ્ટ્ર હાઈ સ્કૂલ ઇંગ્લિશ મિડિયમ શાળાના વિદ્યાર્થીઓને શાળાના પાઠયપુસ્તકો સાથે વર્તમાન પત્ર(ન્યૂઝપેપર) ભેટરૂપે આપવામાં આવ્યા હતા. મુંબઈના ભૂતપૂર્વ મેયર તથા નગર સેવિકા સ્નેહલ આંબેકરે વિદ્યાર્થીઓને ન્યૂઝપેપરનું મહત્ત્વ સમજાવ્યું હતું. ન્યૂઝપેપરોમાં તમામ પ્રકારની માહિતી ઉપલબ્ધ હોય છે. એટલું જ નહીં વિવિધ વર્ગ માટે જેમકે વિદ્યાર્થીઓ માટે, મહિલાઓ માટે, વરિષ્ઠ નાગરિકો માટે, યુવાનો માટે જુદા જુદા દિવસે પૂર્તિઓ આવતી હોય છે જેના માધ્યમથી ભરપૂર માહિતી મળી રહે છે. સમાજ અને વર્તમાનપત્રનો એક અતૂટ સંબંધ છે, તેથી દરેક વિદ્યાર્થીએ દરરોજ કોઇપણ એક ન્યૂઝપેપરનું વાંચન કરવું જોઇએ એવી શીખ આંબેકરે વિદ્યાર્થીઓને આપી હતી.