નવી દિલ્હી, તા. 18 : બીસીસીઆઇ અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ કહ્યું છે કે ભારતીય કોચ રાહુલ દ્રવિડ અને ટીમ મેનેજમેન્ટ એવા જ ખેલાડીઓને ઇંગ્લેન્ડ સામેની ટી20 શ્રેણીમાં તક આપી શકે છે જેઓ વર્ષના અંતમાં ઓસ્ટ્રેલિયામાં ટી20 વિશ્વકપ રમશે. ટીમના પ્રમુખ ખેલાડીઓ રોહિત શર્મા, વિરાટ કોહલી, કેએલ રાહુલ અને જસપ્રીત બુમરાહ જેવા ખેલાડીઓની ઈજા અને અન્ય બાબતોના કારણે ભારતીય ટી20 ટીમમાં ઘણા પ્રયોગ કરવામાં આવ્યા છે. દક્ષિણ આફ્રિકા સામેની પાંચ ટી20માં ઋષભ પંત કેપ્ટનશિપ કરી રહ્યો છે અને આયર્લેન્ડ સામેની ટી20 શ્રેણીમાં હાર્દિક પંડયા નેતૃત્વ કરવાનો છે. જો કે ટી20 વર્લ્ડ કપમાં હવે અમુક મહિના જ બાકી રહ્યા છે. તેવામાં ગાંગુલીએ કહ્યું છે કે વિશ્વકપના સંભવિત ખેલાડીઓ ઇંગ્લેન્ડ સામેની શ્રેણીમાં રમશે.
સૌરવ ગાંગુલીને સવાલ કરવામાં આવ્યો હતો કે શું આઇસીસી ઇવેન્ટના વર્ષમાં ખેલાડીઓને રોટેટ કરવા યોગ્ય ગણાશે. જેના જવાબમાં ગાંગુલીએ કહ્યું હતું કે, રાહુલ દ્રવિડની દરેક બાબતો ઉપર નજર છે. તે અમુક સ્ટેજ ઉપર ખેલાડીઓને સાથે રમાડવાનું પ્લાનિંગ કરી રહ્યો છે. કદાચ આગામી મહિને ઈંગ્લેન્ડના પ્રવાસથી એવા ખેલાડીઓ સાથે રમવાની શરૂઆત કરી દેવામાં આવશે જેઓ ઓક્ટોબરમાં ટી20 વિશ્વકપ રમે તેવી સંભાવના છે.
દક્ષિણ આફ્રિકા સામે રમી રહેલી યુવા ટીમે પોતાનાં પ્રદર્શનથી તમામને પ્રભાવિત કર્યા છે. શ્રેણીમાં 0-2થી પાછળ રહ્યા બાદ ટીમે સતત બે મેચ જીતીને શાનદાર વાપસી કરી છે. ભારત ઇંગ્લેન્ડના પ્રવાસમાં એર રિશેડયુલ ટેસ્ટ અને ત્રણ ટી20 મેચ અને ત્રણ વન ડેની શ્રેણી રમવાનું છે. આ પ્રવાસે ટીમ ઇન્ડિયા 4 દિવસનો એક વોર્મઅપ મેચ અને બે ટી20 અભ્યાસ મેચ પણ રમશે.