કેન્દ્રિય માહિતી અને પ્રસારણ પ્રધાન અનુરાગ ઠાકુરે અગ્નિપથ યોજના વિરુદ્ધ પ્રદર્શન કરી રહેલા યુવાઓને શનિવારે હિંસા બંધ કરવાની અપીલ કરી વાતચીત માટે આગળ આવવા વિનંતી કરી હતી. તેમણે કહ્યું કે સરકાર ખુલ્લા મને ફરિયાદો સાંભળવા તૈયાર છે અને જરુર પડયે યોજનામાં ફેરફાર માટે પણ તૈયાર છે. ઠાકુરે બચાવ કર્યો કે અગ્નિપથ યોજના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકાર દ્વારા ભવિષ્યમાં દેશને વધુ સુરક્ષિત બનાવવા અને દેશના યુવાઓને તકો ઉપલબ્ધ કરાવવાની દિશામાં લેવાયેલો એક ઐતિહાસિક નિર્ણય છે. જે યુવાઓ સૈન્યમાં ભરતી થવા ઈચ્છે છે તેઓ કયારેય હિંસાનો રસ્તો નહીં અપનાવે. પરંતુ કોઈ બદલાવ રોકવાના એજન્ડામાં લાગેલા કેટલાક રાજકીય દળોએ યુવાઓને ઉશ્કેર્યા છે. તેમણે અપીલ કરી કે જો તમારી પાસે વધુ સારી કોઈ સલાહ કે સૂચન હોય તો તમે લોકતાંત્રિક રીતે પોતાના વિચાર પોતાના મંચ અથવા મીડિયા સમક્ષ રાખી શકો છો. સરકાર ખુલ્લા મને વિચાર કરવા હંમેશા તૈયાર છે.