પેટ્રોલ રુ. 9.5 અને ડીઝલ રુ. સાત સસ્તું થયું : રાંધણગૅસમાં રુ.200 સબસિડી

પેટ્રોલ રુ. 9.5 અને ડીઝલ રુ. સાત સસ્તું થયું : રાંધણગૅસમાં રુ.200 સબસિડી
કેન્દ્રએ એક્સાઈઝ ડયૂટી ઘટાડી, રાજ્યોને અપીલ
સિમેન્ટ, સ્ટીલ, પ્લાસ્ટિકમાં પણ રાહતની તૈયારી
નવી દિલ્હી, તા.21 : મોંઘવારીની આગમાં દાઝેલી જનતાને મોદી સરકારે મરહમ સમાન રાહત આપતાં પેટ્રોલ-ડીઝલની એકસાઈઝ ડયુટીમાં ભારેખમ ઘટાડો કર્યો છે જેને પગલે સ્થાનિક બજારમાં પેટ્રોલ લિટરે રુ.9.5 અને ડીઝલ રુ.7 સસ્તું થઈ જશે. સરકારે રાંધણગેસના સિલિન્ડરમાં રુ.200ની સબસીડી જાહેર કરી છે. વધુમાં સિમેન્ટ, સ્ટિલ  અને પ્લાસ્ટિક ઉત્પાદનોમાં ભાવ ઘટાડવાના ઉપાયો ચકાસવામાં આવી રહ્યા છે. સતત ભાવ વધાર્યા પછી ઘટાડવાના આ પગલાંને કોંગ્રેસ અને શિવસેનાએ પ્રજાને મૂરખ બનાવવા સમાન દેખાડો ગણાવ્યું હતું.
નાણા પ્રધાન નિર્મલા સીતારમણે કેન્દ્ર સરકારના નિર્ણય અંગે ટ્વિટ કરી જાણ કરી કે પેટ્રોલની એકસાઈઝમાં 8 અને ડીઝલની ડયૂટીમાં રુ.7નો ઘટાડો કરવામાં આવશે. દેશમાં છેલ્લા એક વર્ષમાં પેટ્રોલ-ડીઝલના ભાવ કૂદકે ને ભૂસ્કે વધ્યા છે તેવા સમયે કેન્દ્ર સરકારના આ નિર્ણયથી જનતાને મોટી રાહત મળશે. એકસાઈઝમાં એક ઝાટકે મોટા ઘટાડાથી સરકારી તિજોરી પર વર્ષે આશરે રુ.1 લાખ કરોડનો બોજો પડશે. નાણા પ્રધાને કેન્દ્રના નિર્ણય બાદ રાજ્ય સરકારોને પણ વેટમાં ઘટાડો કરી જનતાને રાહત આપવાની અપીલ કરી હતી.
કેન્દ્ર સરકારે પીએમ ઉજ્જવલા યોજના હેઠળ આશરે 9 કરોડ લાભાર્થીઓને રાંધણગેસમાં ફરી સબસીડી  આપવા જાહેરાત કરી હતી. સરકારે કહ્યું કે રાંધણગેસના બાટલા દીઠ રુ.200 સબસીડી આપવામાં આવશે. નાણા પ્રધાને કહ્યંy કે આ નિર્ણયથી માતાઓ અને બહેનોને ખૂબ મદદ મળશે. રાંધણગેસ સબસીડીથી સરકાર પર વર્ષે રુ.6100 કરોડનો બોજો પડશે. ફૂગાવો સતત ફૂલી રહ્યો છે, જીવન જરુરીયાતની તમામ ચીજોના ભાવ આસમાનને આંબી રહ્યા છે, રિઝર્વ બેંકે રેપો રેટ વધારવો પડયો છે જેને કારણે લોન-હપ્તા વધી ગયા છે તેવા સમયે કેન્દ્ર સરકારનો આ નિર્ણય રાહતરુપ બની રહેશે. 
વિવિધ ક્ષેત્રો પર સકારાત્મક અસર : મોદી
વડાપ્રધાન મોદીએ ઈંધણની એકસાઈઝ ડયુટીમાં કેન્દ્ર દ્વારા કરવામાં આવેલા ઘટાડાને વિવિધ ક્ષેત્રો પર સકારાત્મક અસર ઉભી કરનારુ પગલું ગણાવ્યું હતું. તેમણે કહ્યં કે અમારા માટે હંમેશા સૌથી પહેલા જનતા રહી છે.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer