કુદરત કોપાયમાન થતાં 57નાં મૃત્યુ, લાખો અસરગ્રસ્ત

કુદરત કોપાયમાન થતાં 57નાં મૃત્યુ, લાખો અસરગ્રસ્ત
ચારધામ યાત્રા ખોરંભે
બિહાર, આસામ, કર્ણાટકમાં ભારે વરસાદ બાદ પૂર-આકાશી વીજળીનો પ્રકોપ
નવી દિલ્હી, તા.21: દેશમાં હાલ હીટવેવ, વરસાદ, વાવાઝોડું, પૂર તથા આકાશી વીજળી પડવાની ઘટનાઓ કાળ બનીને ત્રાટકી છે. પ્રી-મોન્સુન અસરને કારણે અનેક રાજ્યમાં હવામાન પલટા વચ્ચે 3 રાજ્યમાં વિવિધ ઘટનાઓમાં મૃત્યુઆંક 57 થયો છે. દરમિયાન ખરાબ હવામાન, શ્રદ્ધાળુઓનો તીવ્ર ધસારો અને ગેરવ્યવસ્થાની વ્યાપક ફરિયાદો વચ્ચે ચારધામ યાત્રા ખોરંભાઈ છે. 
ઉત્તરકાશી જિલ્લામાં સ્યાનાચટ્ટી અને રાનાચટ્ટી વચ્ચે રસ્તો બેસી જતાં યમુનોત્રી હાઇ વે શુક્રવારે મોટા વાહનો માટે બંધ કરવો પડયો હતો. ચારધામ યાત્રામાં 3000 જેટલા લોકો ફસાયા છે અને રસ્તો ખૂલે તેની રાહમાં છે. ચારધામ યાત્રામાં વધુ 6 ભાવિકના હાર્ટ એટેકનાં કારણે મૃત્યુ થયાનું જાહેર થયું છે જેમાં પપ વર્ષીય એક ગુજરાતી મહિલા બીનાબેન સામેલ છે. ચારધામ યાત્રામાં તીર્થયાત્રીઓનું ઓનલાઇન રજિસ્ટ્રેશન હાલ રોકી દેવામાં આવ્યું છે. હરિદ્વાર અને ઋષિકેશમાં આશરે 9500 જેટલા યાત્રીઓ ફસાયા છે. રજિસ્ટ્રેશન વિના આગળ જવાની મનાઈ હોવાથી તેમણે હોટલો અને ગેસ્ટહાઉસમાં શરણ મેળવ્યું છે.
ચોમાસાના પડઘમ વચ્ચે કેટલાંક રાજ્યોમાં પ્રી મોન્સુન એક્ટિવિટી શરૂ થઈ છે જેને પગલે ભારે પવન સાથે વરસાદ શરૂ થતાં બિહાર, આસામ અને કર્ણાટકમાં વીજળી પડવાથી તથા પૂર જેવી દુર્ઘટનાઓને કારણે અત્યાર સુધીમાં કુલ 57 લોકોનાં મૃત્યુ થયાં છે. હવામાન વિભાગની આગાહી મુજબ તા.ર1થી ર4 મે દરમિયાન અનેક રાજ્યમાં ભારે વરસાદની સંભાવના છે. આસામમાં સૌથી ખરાબ સ્થિતિ છે. અહીં બ્રહ્મપુત્રા અને સંલગ્ન નદીઓમાં પૂરને કારણે હજારો ગામડાં જળમગ્ન થયાં છે. અત્યાર સુધીમાં 14 લોકોના મૃત્યુ થયાં છે અને 7 લાખ જેટલા લોકો પૂરથી અસરગ્રસ્ત છે અને ખેતરમાં ઉભો પાક ધોવાઈ ગયો છે. બિહારમાં 16 જિલ્લામાં 33 અને આસામમાં 15 તથા કર્ણાટકમાં 9 લોકોનાં મૃત્યુ થયાં છે. કર્ણાટકમાં સ્કૂલ-કેલેજો બંધ કરી દેવાયાં છે. બિહારમાં ભારે વરસાદ અને વાવાઝોડા બાદ વીજળી પડવાની ઘટનાઓમાં સૌથી વધુ મૃત્યુ થયાં છે. દિલ્હી-એનસીઆરમાં ભારે વરસાદને પગલે અનેક ફલાઇટ ડાયવર્ટ કરવી પડી છે. વરસાદને પગલે દિલ્હી-એનસીઆરમાં કાળઝાળ ગરમીમાં રાહત મળી છે.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer