મુંબઈમાં ચોમાસું ત્રીજીથી નવમી જૂન સુધી બેસશે

મુંબઈમાં ચોમાસું ત્રીજીથી નવમી જૂન સુધી બેસશે
મુંબઈ, તા. 21 : મુંબઈગરાંને ઉકળાટથી જલ્દી રાહત મળવાની છે. મુંબઈમાં ચોમાસુ જૂન મહિનાના પહેલાં કે બીજા સપ્તાહમાં શરૂ થવાની શકયતા ભારતીય હવામાન ખાતાએ વ્યકત કરી છે. દેશના નૈઋત્ય ભાગમાં ચોમાસુ શરૂ થયા બાદ તેના આધારે દેશના અન્ય ભાગમાં અંદાજ નક્કી કરવામાં આવતો હોય છે. હવામાન વિભાગના અધિકારી કે એસ હોસાળીકરે આપેલી માહિતી અનુસાર આઇએમડીએ ચાર સપ્તાહમાં ચોમાસાના વરસાદના આગમનનો ચાર્ટ તૈયાર કર્યો છે. તે અનુસાર મુંબઈ અને મહારાષ્ટ્રના પશ્ચિમ કિનારા ઉપરના વિસ્તારમાં ત્રીજીથી નવમી જૂન દરમિયાન મેઘરાજાનું આગમન થવાનું છે. કેરળમાં ચોમાસુ શરૂ થયા બાદ આ અંદાજ વ્યકત કરાયો છે. 
મોન્સૂન ચાર્ટમાં કેરળ અને અન્ય નૈઋત્ય વિસ્તારમાં 20મી મેથી મુશળધાર વરસાદ શરૂ થવાનું જણાવાયું છે. મુંબઈ 
અને અન્ય પશ્ચિમ કિનારાઓ ઉપર ચોમાસા પૂર્વેના ઝાપટાં ત્રીજી જૂન કે ત્યારબાદ ધીમે ધીમે પશ્ચિમ કિનારા તરફ જવાની શકયતા છે. વરસાદની તીવ્રતા 10થી 16મી જૂન સુધીમાં વધશે, જેને પગલે મુંબઈ અને દેશમાંના મોટાભાગમાં ચોમાસુ શરૂ થશે.
ચોમાસામાં બચાવ કાર્ય માટે 500 જવાનોની ટીમ તૈયાર 
નાળાસફાઈ થઈ ગઈ છે અને વરસાદના પાણી હવે ભરાશે નહીં, એવો ચોમાસા પહેલા દાવો સત્તાવાળાઓ દ્વારા કરાય તો પણ મુંબઈકરોને ધોધમાર વરસાદમાં પાણીમાં અટવાઈ જવાનો ભય સતત સતાવતો હોય છે. આને પગલે આ વખતે મુંબઈ પાલિકાએ અધિક સતર્ક્તા દાખવવાનું નક્કી કર્યું છે. પાલિકાએ ચોમાસામાં સંકટ સમયની પરિસ્થિતિનો સામનો તથા ઝડપથી બચાવકાર્ચ કરવા અગ્નિશમન દળ, પોલીસ, નૅશનલ ડિઝેસ્ટર રિસ્પોન્સ ફોર્સના કુલ 500 જવાનોનું એક બળ તહેનાત કરવાનો ફેંસલો કર્યો છે. આને લીધે સંકટના સમયમાં મદદમાં થતાં વિલંબને ટાળી શકાશે. 
અતિવૃષ્ટિ, ભૂસ્ખલન, મકાન હોનારત વગેરે દુર્ઘટના સમયે તાત્કાલિક રાહત મળે એ જરૂરી હોય છે. સામાન્ય સંજોગોમાં સંકટ સમયે અગ્નિશમન દળ, પોલીસ અને નૅશનલ ડિઝેસ્ટર રિસ્પોન્સ ફોર્સના જવાનો પહોંચી જતા હોય છે, પણ આ ચોમાસામાં પહેલી વખત એક સંયુક્ત દળ તૈયાર રખાશે અને એમાં 500 જવાનો હશે. 
એ સિવાય આ વખતે નેશનલ ડિઝેસ્ટર રિસ્પોન્સ ફોર્સની ટીમો પણ વધારવાનો નિર્ણય કરાયો છે. ભાંડુપ, ચેમ્બુર અને ગોવંડી જેવા પૂર્વના અમુક વિસ્તારોમાં ભૂસ્ખલનનો ભય રહેતો હોય છે. આવા વિસ્તારોમાં નેશનલ ડિઝેસ્ટર રિસ્પોન્સ ફોર્સના જવાનોની ત્રણ ટીમ સજ્જ હોય છે. નેશનલ ડિઝેસ્ટર રિસ્પોન્સ ફોર્સની દરેક ટીમમાં 45 જવાનો હોય છે. આ ઉપરાંત હવે વધુ 135 વાહનો સાથે વધારાની ત્રણ ટીમ તહેનાત કરાશે. આમ ચોમાસામાં 500 જવાનો સાથેની પાંચ ટીમને પણ તૈયાર રાખવામાં આવશે. આના કારણે બચાવ કાર્ય ઝડપથી થઈ શકશે. 

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer