લેબર પાર્ટીના એન્થની અલ્બનીઝ બનશે નવા વડા પ્રધાન

લેબર પાર્ટીના એન્થની અલ્બનીઝ બનશે નવા વડા પ્રધાન
અૉસ્ટ્રેલિયામાં ચૂંટણી : મોરિસન હાર્યા
સિડની, તા.21: ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી સ્કોટ મોરિસને ચૂંટણીમાં હારનો સામનો કરવો પડયો છે. ચૂંટણીમાં જીત મેળવનાર લેબર પાર્ટીના એન્થની અલ્બનીઝ હવે ઓસ્ટ્રેલિયાના નવા વડા પ્રધાન બનશે. ચૂંટણી પરિણામ બાદ મોરિસને કહ્યુ કે, તે લિબરલ પાર્ટીના નેતાના રૂપમાં રાજીનામું આપી દેશે. તેમણે કહ્યું કે, તે ચૂંટણીમાં પોતાની પાર્ટીની હારની જવાબદારી સ્વીકારે છે.  
સ્કોટ મોરિસને કહ્યુ કે, હું નેતાના રૂપમાં હારની જવાબદારી સ્વીકારું છું. આ નેતૃત્વની જવાબદારી છે. તેમણે કહ્યું કે હું પાર્ટીની આગામી બેઠકમાં રાજીનામું આપી દેવાનો છું. તેમણે કહ્યું કે, મને લિબરલ પાર્ટીનું નેતૃત્વ કરવાની તક મળી, દેશના લોકોનું સમર્થન મળ્યું, તે માટે બધાનો આભાર. 
મહત્ત્વનું છે કે ઓસ્ટ્રેલિયામાં લોઅર ચેમ્બર એટલે કે નિચલા ગૃહની 151 સીટો માટે મતદાન થયું હતું. તેનો કાર્યકાળ ત્રણ વર્ષનો હોય છે. સરકાર બનાવવા માટે 76 સીટોની જરૂર હોય છે.  
ઓસ્ટ્રેલિયામાં યોજાયેલી ચૂંટણીમાં પ્રધાનમંત્રી સ્કોટ મોરિસનની પાર્ટીની હાર થઈ છે. હવે લગભગ એક દાયકા બાદ લેબર પાર્ટીની સત્તામાં વાપસી થઈ છે. લેબર પાર્ટીના નેતા એન્થની અલ્બનીઝ દેશના નવા પ્રધાનમંત્રી બનવાના છે. આ ચૂંટણીમાં લેબર પાર્ટીએ ઓસ્ટ્રેલિયાના મતદાતાઓને આર્થિક સુધાર, સ્વાસ્થ્ય સેવાઓનો વિસ્તાર જેવા મહત્ત્વપૂર્ણ વાયદાઓ કર્યા હતા. તેમ માનવામાં આવી રહ્યું છે કે કોરોના કાળમાં થયેલી ગળબડી, ભ્રષ્ટાચારના ગંભીર આરોપ પીએમ સ્કોટ મોરિસન વિરુદ્ધ ગયા છે. અલ્બનીઝ 2019થી ઓસ્ટ્રેલિયાની લેબર પાર્ટીના નેતા છે. હવે તે દેશના 31માં પીએમ બનશે.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer